Western Times News

Gujarati News

BCCI અધ્યક્ષ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તેમને 2 જાન્યુઆરીએ કાર્ડિયાક અરેસ્ટ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાંગુલી હોસ્પિટલથી સીધા ઘરે પહોંચ્યા છે.

આરામ કરવાના સવાલ વિશે તેમણે મીડિયાને કહ્યું છે કે તેમનું શરીર જે રીતે રિએક્ટ કરશે એ પ્રમાણે તેઓ કરશે. હોસ્પિટલમાંથી રજા લીધા પછી ગાંગુલીએ કહ્યું હતું કે હું ડોક્ટર્સનો આભાર માનું છું કે તેમણે મારી ખૂબ સરસ રીતે સારવાર કરી અને હવે હું સંપૂર્ણ રીતે ઠીક છું.

હોસ્પિટલ દ્વારા બુધવારે કહેવામાં આવ્યું છે કે ગાંગુલીની સારવાર કરતા ડોકટરોની મેડિકલ ટીમ સમયે સમયે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. આ અગાઉ મંગળવારે હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું હતું કે બ્લડ ટેસ્ટ રિપોર્ટ સંતોષકારક છે. વરિષ્ઠ કાર્ડિયાક-સર્જન ડોક્ટર દેવી શેટ્ટી મંગળવારે ગાંગુલીને મળવા પહોંચ્યાં હતાં. તેઓ ગાંગુલીની સારવાર કરતા 9 ડોકટરની મેડિકલ ટીમને મળ્યાં હતાં. તેમણે કહ્યું, ‘ગાંગુલીને કોઈ મોટી સમસ્યા નથી. કોરોનરી ધમનીમાં અવરોધ આવે એવું મોટા ભાગના ભારતીયો સાથે થાય છે. તેમના હૃદયમાં કોઈ સમસ્યા નથી. 48 વર્ષીય ગાંગુલીનું હૃદય જેવું 28 વર્ષ પહેલાં હતું, આજે પણ એવું જ છે.

હોસ્પિટલ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગાંગુલીનો ઇસીજી તેમના હાર્ટ ફંક્શન વિશે જાણવા માટે કરવામાં આવ્યો છે. રેસ્પિરેટરી રેટ 15 પ્રતિ મિનિટ છે. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.