Western Times News

Gujarati News

અમેરિકાની ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગે ગોએરને ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સન્માનિત કરી

ઓગસ્ટ, 2019:ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ગોએરને અમેરિકાની ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ (આઈબીસી) કોર્પોરેશનની ભારતીય શાખા દ્વારા ‘સૌથી વિશ્વસનીય સ્વદેશી એરલાઇન’તરીકેનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં આ એવૉર્ડ વાઇસ પ્રેસિડન્ટ, માર્કેટિંગ એન્ડ ઇ-કોમર્સ, શબનમ સૈયદ અને વાઇસ પ્રેસિડન્ટ, પીઆર એન્ડ કોર્પોરેટ કોમ્યુનિકેશન, બકુલ ગાલાએ સ્વીકાર્યો હતો.

આ સફળતા પર બોલતા ગોએરના મેનેજિંગ ડિરેક્ટર, જેહ વાડિયાએ જણાવ્યું હતું કે, “અમને ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટેડ ડોમેસ્ટિક એરલાઇન તરીકે માન્યતા આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવૉર્ડ અમારી ફ્લાયસ્માર્ટ વ્યુહરચનાની પુષ્ટિ છે, જેમાં અમે અમારા પ્રવાસીઓને બધા સમયે સ્માર્ટ, સેફ અને સિક્યોર પ્રવાસ અનુભવ આપીએ છીએ. આ એવૉર્ડ એનું સમર્થન છે કે અમે સાચી દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ અને તે અમને ભવિષ્યમાં પણ પ્રવાસના અનુભવને વિસ્તારવામાં પ્રોત્સાહિત કરશે. હું આ તકે અમારા લાખો પ્રવાસીઓનો આભાર માનું છું કે જેમણે છેલ્લા 13 વર્ષથી પુષ્કળ સહયોગ દર્શાવ્યો છે અને અમને પ્રેમ આપ્યો છે, અને ગોએરના કર્મચારીઓ જેમના વિના આ યાત્રા અને સન્માનો શક્ય બન્યા ન હોત.”

ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ એવૉર્ડઝ આઈબીસી દ્વારા વિકસિત કરવામાં આવેલો એક વિચાર છે. આઈબીસી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કોર્પોરેશનનો એક વિભાગ છે. ગોએરને તેની કામગીરી, સેવાઓની ગુણવત્તા, નવીનતાઓ, ગ્રાહક સંતોષ, મેનેજમેન્ટની દીર્ઘદ્રષ્ટિ, વ્યુહરચનાઓ અને આ સેગમેન્ટમાં તેના ભાવિ લક્ષ્યો માટે આ એવૉર્ડ આપવામાં આવ્યો છે.

આઈબીસીના ગ્રાહક સરવેએ ગોએરના ઓન ટાઇમ પરફોર્મન્સ (ઓટીપી)ને ઘ્યાનમાં લીધું છે, જેમાં ગોએર સતત 10 મહિના સુધી સૌથી ઉપર રહી છે, એવું બીજા કોઈએ નહીં પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ જણાવેલું છે.

એ જ રીતે, ગોએરે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ લોડ ફેક્ટર્સ નોંધાવ્યા છે. ગોએરે તેના પ્રારંભથી અત્યાર સુધીમાં 733 લાખ પ્રવાસીઓનું વહન કર્યું છે અને કંપની આગામી બે વર્ષમાં 10 કરોડ પ્રવાસીઓનો હેતુ ધરાવે છે. ગોએર અત્યારે દૈનિક 300 ફ્લાઇટ્સ ચલાવે છે અને કંપનીએ આંતરરાષ્ટ્રીય માર્ગોને સમાવી લેતી એક આક્રમક વિસ્તરણ યોજના ઘડી કાઢી છે. 2016માં ગોએરે તેના 144 હવાઇજહાજોનો બેગણો ઓર્ડર કર્યો હતો અને કંપની તેના કાફલામાં સરેરાશ રીતે દર મહિને એક હવાઇજહાજ ઉમેરશે.

ગોએર 24 સ્વદેશી મુકામોએ ઊડે છે જેમાં અમદાવાદ, બગદોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્‍નાઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટિ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચિ, કોલકાતા, કન્‍નુર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લૈર, પૂણે, રાંચી અને શ્રીનગરનો સમાવેશ થાય છે. ગોએર બેંગકોક, ફુકેટ, માલે, મસ્કત, દુબઈ અને અબુ ધાબી સહિત 6 આંતરરાષ્ટ્રીય મુકામો સુધી ઊડે છે અને ટૂંકસમયમાં બીજા બે મુકામોએ ઊડાન શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.