Western Times News

Gujarati News

સોજીત્રામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકારે કડક કાયદાઓ અમલમાં મુક્યા છે  મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા

આણંદ:  રાષ્ટ્રના ૭૩મા સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે  સોજિત્રા ખાતે શ્રી એમ. એમ. હાઇસ્કૂલના પટાંગણમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહૂતિ આપનાર નામી-અનામી સૌ વીર શહિદ સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત પૂ.મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શ્યામજી કૃષ્‍ણ  વર્મા અને ચરોતરના જ સપૂત વીર સપૂતોનું સ્‍મરણ કરી તેમને વંદન કર્યા હતા.

મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સોજિત્રા વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ જણાવ્યું કે,  આ સરકાર ખેડૂતોની સરકાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અન્વયે ૨૯ લાખ જેટલા ખેડૂતોને બે હપ્તામાં રૂ. ૧૧૩૫ કરોડ આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાનો આ સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આ માટે રૂ. ૫૦૦ કરોડનું રિવોલ્વિંગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. ૪૦ લાખ એકરથી વધુ વિસ્તારને ટપક સિંચાઈની સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર ૯૬ અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને રૂ. ૨૨૮૫ કરોડની ઈનપુટ સહાય આપીને સરકાર ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. ચાર લાખ જેટલાં ખેડૂતોને વીજ કનેકશન આપવામાં આવ્યા છે. ૧૦૨ લાખ ગાંસડી કપાસ અને ૩૭ લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનથી આજે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય એવી રૂ. ૮૫૦૦ કરોડના અનાજની ટેકાના ભાવે વિક્રમજનક ખરીદી આ સરકારે કરી છે.

નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત સરકારે કડક કાયદાઓ અમલમાં મૂક્યા છે. નાની બાળકી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એક મહિનાના ગાળામાં ચાર્જશીટ અને ટ્રાયલ પૂર્ણ કરવાનો કાયદો આ સરકારે અમલમાં મૂક્યો છે. યુવાનોને નશાખોરીથી બચાવવા દારૂબંધીના કાયદાને વધુ ચુસ્ત-દુરસ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ શહેરોને સીસીટીવી કેમેરા નેટવર્કથી સાંકળી લેવામાં આવ્યા છે. આપણું ગુજરાત સલામત ગુજરાત, આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાતના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવ્યો છે.

આ સરકાર પાણીદાર સરકાર છે. જળસંચય, જળસંવર્ધન અને જળ વિતરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. સૌની યોજના દ્વારા રાજ્યના ૧૧૫ ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા છે. ઉત્તર ગુજરાતમાં નહેરોનું વ્યાપક નેટવર્ક ઊભું થયું છે. સુજલામ સુફલામ જળઅભિયાનથી ૨૪,૫૦૦ લાખ ઘનફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતાનો વધારો થયો છે વેસ્ટ વોટર રીસાયકલ અને રીયુઝની નવી  વિચારધારા ગુજરાતે અમલમાં મૂકી છે.તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સૌર ઊર્જા, ટાઈડલ ઊર્જા, રૂફટોફ સોલર પ્લાન્ટ, વીન્ડ પાવર જેવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરીને ગ્રીન એન્ડ ક્લીન એનર્જીની દિશામાં આપણું ગુજરાત મક્કમ રીતે આગળ વધી રહ્યુ છે. રાજ્યભરમાં ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો અમારી સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. ઊર્જા ક્ષેત્રે ગુજરાતે કાઠુ કાઢ્યું છેગુજરાત શિક્ષિત અને દિક્ષિત બને એ માટે નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા છે. સરકારી શાળાના બાળકોને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ઈ-ક્લાસથી શિક્ષણની વ્યવસ્થા ગુજરાતમાં શરૂ થઈ છે.

લર્નિંગ વીથ અર્નિંગના કોન્સેપ્ટ સાથે ૭૫૦૦૦ જેટલાં યુવાનોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ૭૫૦થી વધુ કૌશલ્ય નિર્માણ કેન્દ્રો ઊભા કરી યુવાનોના કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે ગુજરાતે મક્કમ પગલાં લીધાં છે. રોજગાર મેળાઓના માધ્યમથી ૧૧ લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે અને ૧.૧૮ લાખ યુવાનોની સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવી  હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર કરુણા અભિયાન દ્વારા અબોલ પક્ષીઓની પણ આ સરકાર કાળજી લઇ રહી છે. રખડતા નધણીયાતા પશુ પક્ષીઓની કાળજી લેવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. ગરીબ પરિવારોને તેમના શુભ પ્રસંગે લગ્નમાં જાન લઈ જવા માટે રાહત દરે એસટીની સુવિધા.  દિકરીઓના જન્મદરમાં વધારો કરવાના લક્ષ્ય સાથે ‘વહાલી દીકરી’ યોજનાનો આપણે આરંભ કર્યો છે. જેમાં પહેલા ધોરણમાં દીકરી આવે ત્યારે રૂ. ૪૦૦૦, નવમા ધોરણમાં આવે ત્યારે રૂ. ૬૦૦૦ અને ૧૮ વર્ષની થાય ત્યારે એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનું સુનિશ્ચિત કર્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મહિલા સશક્તિકરણ માટે આ સરકાર કૃતનિશ્ચયી છે. વિધવા પેન્શનની રકમ વધારીને આ સરકારે રૂ. ૧૨૫૦ કરી છે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષીત કરવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા એપનો આપણે અસરકારક અમલ કરી મહિલા સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે. ૨૭૦ નારી અદાલતો દ્વારા ફાસ્ટટ્રેક ડિસીઝન લેવામાં આવ્યા છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજનાથી ૯૯ લાખ શ્રમિકોને રૂ. ૧૦માં ભરપેટ ભોજન પૂરું પાડયું છે. મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાની વાર્ષિક આવક મર્યાદા વધારીને ૪ લાખ કરવામાં આવી છે જેથી ૬૦ લાખ જેટલા પરિવારોને રૂ. ૫ લાખ સુધીની સહાય આપવામાં આવશે.  અકસ્માતનાં પ્રથમ ૪૮ કલાક દરમિયાન ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં રૂ. ૫૦ હજાર સુધીની નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, આણંદ જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા જિલ્લાના ૮ તાલુકાના કુલ ૩૪૭ ગામો અને ૧૧ શહેરો પૈકી ૧૦ જુથ યોજનાઓ મારફતે ૧૦૮ ગામોને જુથ યોજનાનું પાણી આપવામાં આવે છે. આણંદ જીલ્લામાં સરફેસ સોર્સ આધારીત મિલરામપુરા-ગોરાડ સુધારણા યોજના હાલ  રૂા.૨૪.૧૦ કરોડના કામો ટેંડર પ્રકિયા હેઠળ છે. તારાપુર રૂર્બનનુ કામ પૂર્ણતાના આરે છે. જેમાં ૪.૭૪ કરોડના કામો પુર્ણ થયેલ છે. તેમજ ૧૫ જેટલી નવી મીની યોજનાઓ આશરે રૂ ૧.૨૦ કરોડના કામો મંજુર કરવામાં આવેલ છે. તેમજ હાલ મહી નદી આધારીત (આણંદ,ઉમરેઠ અને આંકલાવ) ૩ નવીન જુથ પાણી પુરવઠા યોજનાઓ  રૂા.૧૩૬.૨૦ કરોડના કામોને પ્રાથમિક મંજુરી મળેલ છે.

આણંદ જિલ્લામાં ૬ નગરપાલિકા આંકલાવ, ઉમરેઠ, બોરીયાવી, ઓડ , બોરસદ અને ખંભાતના STP ના કામોને રૂ ૯૫.૮૨ કરોડની વહીવટી મંજૂરી મળી  છે. હાલ બોરસદ  STP ના રૂ.૧૬.૧૪ કરોડના કામો પ્રગતિમાં છે.

વાસ્‍મો દ્વારા ૨૦૬ ગામો નળ કનેકશનથી જોડાયેલા છે, તારાપુર, ખંભાત તથા આંકલાવ તાલુકાના ગામોમાં ૧૦૦ ટકા નળ કનેકશનો આપવાની કામગીરીનું આયોજન છે, જ્યારે બાકીના તાલુકાઓમાં ક્રમશઃ માર્ચ-૨૦૨૧ સુધીમાં કામો પુર્ણ કરવામાં આવશે.

સરકારશ્રીની ૧૨ દુધાળા પશુની ખરીદી ઉપર વ્યાજ સહાય યોજના અંતર્ગત કુલ ૨૨૧ લાભાર્થીઓને પશુ ખરીદી માટે મળેલ રૂ. ૧૫ કરોડ ના  બેંક ધિરાણ ઉપર ૫ વર્ષ સુધી વ્યાજ સહાય ચુકવવાના કેસોને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી  છે.

ગુજરાત  સરકારશ્રીની સ્વરોજગારીના હેતુ ૧૨ દુધાળા પશુઓનાં ફાર્મની સ્થાપના માટે સહાય યોજના અંતર્ગત જિલ્લાના ૨૦૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે ૨૭૮ લાભાર્થીઓની અરજીઓ પશુ એકમની સ્થાપના માટે પૂર્વ મંજૂરી આપવામાં  આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની પુરી ગ્રાંટથી સોજિત્રા ખાતે ૩૦ જેટલા મુકબુધિર બાળકોને સ્માર્ટ ક્લાસ (ઇ-લર્નીંગ)ના માધ્યમથી આ બાળકોને સ્માર્ટ બોર્ડ અને લેપટોપના માધ્યમથી આધુનિક ટેકનોલોજીના મુજબ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના સારા પરિણામો મળ્યા છે.પૂજ્ય ભાઇ કાકાની શૈક્ષણિક ક્ષેત્રેની સેવાઓને સન્માન આપવા ગુજરાત સરકાર દ્વારા પુજ્ય ભાઇકાકા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

જિલ્લાની જનતા માટે કલેક્ટર કચેરી ખાતે આણંદ ગ્રામ્ય અને આણંદ શહેરી વિસ્તાર માટે અલગ અલગ બે જન સેવા કેન્દ્રો આ વર્ષે કાર્યરત કરવામાં આવ્યા છે.જેના કારણે શહેરી અને ગ્રામિણ નાગરિકોને પોતાના કામો માટે ખૂબ જ સરળતા ઉભી થઇ છે.વડાપ્રધાનશ્રી શ્રમયોગી મનધન યોજના હેઠળ ૬૦ વર્ષ બાદ પેન્શન યોજના માટે આણંદ જિલ્લામાં ૧૬ હજાર કરતા વધુ શ્રમયોગીઓ જોડાતા આ કામગીરીમાં આણંદ જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું હતું. ૧લી ઓગષ્ટથી ૧૪મી ઓગષ્ટ સુધી જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં શહેરી તથા ગ્રામિણ મહિલા મહિલાઓએ ભાગ લીધો.

તાજેતરમાં બગોદરા-તારાપુર-વાસદ છ માર્ગીય માર્ગનું રૂ.૧૬૫૪ કરોડના ખર્ચે કામગીરીઓ પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલુ છે.૪૮ કરોડના ખર્ચે સાબરમતી નદી ઉપર નવિન પુલ જાહેર જનતામાટે શરૂ કરાયો છે.

આ અવસરે શાળાના બાળકો દ્વારા રાષ્‍ટ્રભકિતને ઉજાગર કરતા વિવિધ સાંસ્‍કૃતિક તેમજ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે આણંદ જિલ્લામાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત અધિકારી કર્મચારીઓ, રમતવીરોનું પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કર્યું હતું. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સ્કુલના મેદાનમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. અને તરુણ રથને પ્રસ્થાન કરાવ્યુ હતું.

રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત કરનાર આણંદ જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીના પોલીસ અધિકારી શ્રીઆર.એલ. સોલંકી અને બી.ડી.જાડેજા  ને મેડલ અર્પણ કરી સન્માન કર્યું હતું આ ઉપરાંત તેજસ્વી ખેલાડીઓનું સન્માન પણ કર્યું હતું સોજીત્રા તાલુકાના વિકાસ માટે માનનીય મંત્રીશ્રી એ રૂપિયા ૨૫ લાખનો ચેક કલેક્ટર શ્રી દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત પ્રકાશને અર્પણ કર્યો હતો અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ ડોગ શો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઇ પટેલ,પૂર્વમંત્રીશ્રી સી.ડી.પટેલ, પૂર્વ દંડકશ્રી અંબાલાલ રોહિત, જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી એમ.એસ. ગઢવી, નાયબ કલેકટર સોજિત્રા શ્રી હર્ષનિધિ શાહ ,મામલતદારશ્રી ડી.કે. ગામીત, અગ્રણીશ્રી મહેશભાઇ પટેલ,ટી.ડી.ઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, બાળકો નાગરિક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.