સીરમે રશિયન રસી સ્પૂતનિક-વીના ઉત્પાદન માટે મંજૂરી માગી
પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ તપાસ વિશ્લેષણ-પરીક્ષણ માટે પણ DCGI પાસે મંજૂરી માગી
નવી દિલ્હી, કોરોના રસી કોવિશીલ્ડનું નિર્માણ કરી રહેલી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા આવનારા સમયમાં રુસની કોરોના વેક્સિન સ્પુતનિક-વીનું ઉત્પાદન કરી શકે છે. સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજૂરી માંગવા માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ડીસીજીઆઇ પાસે મંજૂરી માંગી છે.
સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે, પુણે સ્થિત કંપનીએ તપાસ વિશ્લેષણ અને પરીક્ષણ માટે પણ મંજૂરી માંગી છે. હાલ ડૉ. રેડ્ડીઝ લેબોરેટ્રીઝ ભારતમાં રુસની સ્પુતનિક વી રસીનું ઉત્પાદન કરે છે. જે તેની મંજૂરી મળી જશે તો દેશમાં વેક્સિનના પ્રોડક્શનને ગતિ મળશે. હાલ સ્પુતનિક-વીના ૩૦ લાખ ડોઝની ખેપ મંગળવારે હૈદરાબાદ પહોંચી હતી.
સૂત્રો અનુસાર, સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ ડીસીજીઆઇને બુધવારે એક અરજી આપી, જેમાં કોવિડ-૧૯ રસી સ્પુતનિક વીના ભારતમાં નિર્માણની મંજૂરી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક-વી દ્વારા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા અગાઉ જ સરકારને જણાવી ચૂક્યું છે કે, તે જૂનમાં ૧૦ કરોડ કોવિશીલ્ડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે. તે નોવાવેક્સ રસી પણ બનાવી રહ્યું છે. નોવાવેક્સ માટે અમેરિકા પાસેથી નિયામક સંબંધી મંજૂરી હજુ મળી નથી.