પેટીએમને 16,000 કરોડ રૂપિયાનો IPO લાવવાની મંજૂરી
ડિજિટલ ફાઈનાન્સિયલ સર્વિસ આપતી કંપની પેટીએમને દેશનો સૌથી મોટો આઈપીઓ લાવવાની મંજૂરી મળી ગઈ છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલા એક સૂત્રએ શુક્રવારે જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબીએ પેટીએમને 16,000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની મંજૂરી આપી દીધી છે. આશા છે કે કંપની આ મહિનાના અંત સુધી શેરબજારમાં ઉતરશે.
જો પેટીએમનો આઈપીઓ સફળ રહે છે તો તે દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. અત્યાર સુધીનો આ રેકોર્ડ કોલ ઈન્ડિયાના નામે છે. કોલ ઈન્ડિયાએ 2010માં આઈપીઓ દ્વારા 15,000 કરોડ રૂપિયા કરતા વધારે ફંડ એકઠું કર્યું હતું.
પેટીએમના આઈપીઓના સંચાલન માટે જે બેંકોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે તેમાં મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ ઈન્ક અને જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની સામેલ છે. તેમાં મોર્ગન સ્ટેનલીની દાવેદારી સૌથી મજબૂત છે.
સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, સેબીએ પેટીએમના આઈપીઓને મંજૂરી આપી દીધી છે. વિજય શેખર શર્માની અગેવાનીવાળી કંપની આઈપીઓમાં 20-22 બિલિયન ડોલરનું વેલ્યુએશન ઈચ્છે છે. બે વર્ષ અગાઉ કંપનીએ જ્યારે ફંડ એકઠું કર્યું હતું ત્યારે તેની વેલ્યુ 16 બિલિયન ડોલર પહોંચી હતી.
ફિનટેક સ્ટાર્ટઅપમાં એન્ટ ગ્રુપ, અલિબાબા, એલિવેશન કેપિટલ અને સોફ્ટ બેંક વિઝન ફંડ જેવા મુખ્ય રોકાણકારો છે.