Western Times News

Gujarati News

૫લ્સ પોલિયો અભિયાન”નો મોરવા હડફથી શુભારંભ કરાવતા આરોગ્ય રાજ્યમંત્રી

(પ્રતિનિધિ) મોરવા હડફ, રાજયનુ પ્રત્યેક બાળક સ્વસ્થ અને નિરોગી બની રહે એવા નિર્ધાર સાથે રવિવારથી રાજયવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ થયો છે. પંચમહાલ જિલ્લામાં પણ આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે મોરવા હડફ તાલુકાના મોજરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોરવા હડફ ગામના બુથ ખાતેથી બાળકોને પોલિયો રસીના ૨ ટીપા પીવડાવી પોલિયો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મંત્રી નિમિષાબેને જણાવ્યું હતું કે આ અભિયાનમાં રાજ્યભરમાં શૂન્યથી પાંચ વર્ષના અંદાજે ૭૫ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે. આ રાજયવ્યાપી અભિયાન માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરીને સઘન આયોજન કરાયું છે

જે અંતર્ગત રાજયમાં કુલ ૩૮,૩૯૫ બુથનું આયોજન કરીને ૭૪૬૫ સુપરવિઝન ટીમો દ્વારા અંદાજે ૧,૫૮,૮૬૧ જેટલા આરોગ્ય કર્મીઓ સામેલ થયા છે. રાજયના તમામ વિસ્તારો અને બાળકોને આવરી લેવા માટે ૨૯૩૪ મોબાઈલ ટીમો બનાવવામાં આવેલ છે અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે માટે ૨૪૪૯ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત પંચમહાલ જીલ્લાના કુલ ૨,૬૦,૪૯૮ બાળકોને રસી આપવા ૧૦૬૬ બુથ અને ૧૭ મોબાઈલ બુથનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં ૩૦૨૪ આરોગ્યના કર્મચારીઓ અને ૧૨૪૦ આંગણવાડી કર્મચારીઓ મળી કુલ ૪૨૬૪ કર્મચારીઓ સામેલ થયા છે.

આ કામગીરી ૧૦૦ ટકા પૂરી થાય તે માટે જીલ્લામાં ૨૧૯ સુપરવાઈઝર દ્ધારા વેક્સીન સપ્લાય અને સુપરવિઝન કરવામાં આવશે. આ કાર્યક્રમ ૩ દિવસ ચાલશે, જેમાં પ્રથમ દિવશે બુથ પર કામગીરી અને બીજા અને ત્રીજા દિવસે હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યના ૦-૫ ની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૦૭ પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલ નથી. આજ રીતે સાતત્યપૂર્ણ રીતે તમામ કર્મચારી, અધિકારી સામાજિક સંસ્થાઓ, કાર્યકર કામગીરી કરે તો ગુજરાત પોલિયો નાબૂદી તરફની જરૂર જાળવી રાખશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. વધુમાં રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત આર બી એસ કે વાહનોને ફ્લેગ ઓફ પણ કરાવવામાં આવ્યા હતા.

સશક્ત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા બાળકોને પોલીયો વિરોધી રસી આપવી અતિ મહત્વની હોઈ રાજ્યના તમામ બાળકોને પોલિયો રસીકરણનો મહત્તમ લાભ અપાવવા દરેક વાલીને અનુરોધ કર્યો છે. આ પ્રસંગે તાલુકા પંચાયત મોરવા હડફ ના પ્રમુખ એપીએમસી ચેરમેન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.