Western Times News

Gujarati News

અંબાજીમાં કાગળના પેકિંગ બંધ કરી પોલિમર બોક્સમાં પ્રસાદીના પેકેટ મળશે

એક જ સાઈઝના પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ

અંબાજી, સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર જગ વિખ્યાત છે. હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અંબાજીના મહાપ્રસાદ મોહનથાળનો પ્રસાદ હવે પોલિમર બોક્સમાં મળશે. જેના કારણે બોક્સની કિંમત ૧૦૦ ગ્રામના ૨૫ રૂપિયા રહેશે. કાગળના પેકિંજ બંધ કરી માત્ર ૨૫ રૂપિયામાં દર્શનાર્થીઓને પ્રસાદીના પેકેટ મળશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ત્રણ સાઈઝમાં કાગળના પેકિંગમાં મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું પરંતુ આજથી અંબાજી મંદિરમાં એક જ સાઈઝના પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ૧૦૦ ગ્રામના પોલિમર બોક્સ પેકેજ જેની કિંમત રૂપિયા ૨૫ રાખવામાં આવી છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલિમર બોક્સ રિસાઈક્લિંગ હોવાના કારણે પર્યાવરણને પણ કોઈ નુકસાન નહીં થાય તો સાથે સાથે કાગળના બોક્સમાં મોહનથાળનો પ્રસાદ હોવાથી ઘી ચૂસી લેવાના કારણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ ચાલુ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, મા જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં પ્રખ્યાત છે. મા અંબાના ધામ અંબાજીમાં આમ તો દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે પરંતુ ભાદરવી પૂનમનું અનોખું મહત્વ છે, આ દિવસોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના ચરણોમાં શીશ નમાવતા હોય છે. સાથે મા અંબાના આશિષરૂપે મહાપ્રસાદ મોહનથાળ મંદિરમાંથી સાથે લઈ જતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.