મહાકાય મશીનરી લઈ જતું ટ્રેલર અંકલેશ્વરમાં લાગેલ એંગલમાં ફસાયું
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડી પર મહાકાય મશીનરી લઈ જતું ટ્રેલર નેશનલ હાઈવે ઓથોરિટીએ લગાવેલા એંગલમાં ફસાઈ જવાના કારણે એંગલ તૂટીને હાઈવે પર પડ્યું હતું.જે અંગે ડીપીએમસી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા સ્થળ પર દોડી આવી એંગલને દૂર કર્યું હતું.
જાે કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ટ્રાફિકજામની સમસ્યા ઉદ્દભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત તરફથી મહાકાય ઔદ્યોગિક ટેન્ક લઈ ટ્રેલર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી પસાર થઈ રહ્યું હતું.આ દરમ્યાન ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉતરતા જ નિલેશ ચોકડી પર આવેલા GIDC ઓવરબ્રિજના ૩૦ મીટરના અંતરે લોખંડની એંગલ નીચેથી નીકળવા જતા અંદર ફસાઈ ગયું હતું.જેના કારણે એંગલ સાથે જાેઈન્ટ લોખંડના પિલર તોડી પાડ્યા હતા.
જાેકે ત્યાં કોઈ વાહન ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.પરંતુ ટ્રેલર ફસાઈ જવાના કારણે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ જીઆઈડીસીના ડીપીએમસી ફાયર વિભાગને કરાતા તેની ટેક્નિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટીમે ક્રેનની મદદથી રોડ ઉપર પડેલા લોખંડની એંગલને દૂર કરી હતી.ત્યાર બાદ ટ્રેલરમાં ફસાયેલી એંગલને દૂર કરી હતી.ઘટના અંગે હાઈવે ઓથોરિટીને જાણ થતા ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.ટ્રેલર ચાલક સામે મિલકતને નુકશાન કરવા બદલ કાયદાકીય પગલાં ભરવાની તજવીજ આરંભી હતી.