પુરુષોત્તમ રૂપાલાની સભા પહેલાં ભાજપમાં ભંગાણ
પાદરા, વિધાનસભા ચૂંટણી પહેલા પાદરામાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. પાદરા વિધાનસભાના અપક્ષના ઉમેદવારના સમર્થનમાં ભાજપ સંગઠનના હોદેદારોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે. શનિવારે સાંજે ૭ કલાકે ભાજપના પુરુષોત્તમ રૂપાલાની જાહેરસભા પહેલા પાદરા ભાજપમાં મોટો ભડકો થતા રાજકારણ ગરમાયું છે. વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસારે પણ રાજીનામું આપી દીધું છે.
પાદરા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પુરાની તથા મહામંત્રી તુપ્તિબેન પટેલ સહિતના હોદેદારો, પાદરા તાલુકા ભાજપના સંગઠન મહામંત્રી મેહુલ અમીન તથા મંત્રી સંદીપ પટેલ તથા મંત્રી કિરણ મહંત મંત્રી રાકેશ પટેલ અને કોશાધ્યક્ષ મનોજ પટેલ તાલુકા ભાજપના હોદેદારો, પાદરા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ, મહામંત્રી અને ઉપપ્રમુખ સહિત હોદેદારો તથા પાદરા નગર યુવા મોરચાના ઉપપ્રમુખ, મંત્રી અને કોશાધ્યક્ષે પણ રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત પાદરા તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મોટાભાગના હોદેદારોએ પણ રાજીનામાં આપી દીધા છે. તેમની સાથે સાથે પાદરા બજાર સમિતિના પ્રમુખ સહિતના ડિરેક્ટરોએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે..