અમદાવાદ ઓલિમ્પિકનું યજમાન બની શકે : ઠાકુર
નવી દિલ્હી, ભારત ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે કહ્યું હતું કે આગામી સપ્ટેમ્બર ૨૦૨૩માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્ર દરમિયાન આઈઓસીના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે યજમાન શહેર બની શકે છે. આ અગાઉ ભારતે અગાઉ ૧૯૮૨ એશિયન ગેમ્સ અને ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી.
રમતગમત મંત્રીએ કહ્યું હતું કે જાે ભારત આટલા મોટા પાયે જી૨૦નું આયોજન કરી શકે છે તો મને ખાતરી છે કે સરકાર દેશમાં ઓલિમ્પિકની યજમાની કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે ૨૦૩૨ સુધી સ્લોટ બુક થઈ ગયા છે પરંતુ ૨૦૩૬ થી અમને આશા છે અને મને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને આ માટે દાવેદારી કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે, તો ઠાકુરે કહ્યું હતું કે ભારત તેના માટે તૈયાર છે.
અમારા માટે ના કહેવાનું કોઈ કારણ નથી. જાે ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે. હું તમને ખાતરી આપું છું કે અમે ઓલિમ્પિકની યજમાની મોટા પાયે કરીશું. ઓલિમ્પિકની યજમાની કરવાનો આ યોગ્ય સમય છે. જાે ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત ૨૦૩૬ ઓલિમ્પિક માટે દાવેદારી પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
ગુજરાતે ઘણી વખત ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની પાસે હોટલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેઓ દાવેદારી અંગે ગંભીર છે. તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.