અંકલેશ્વરની કેડિલા ફાર્મા.માં થયેલ પાવડરની ચોરીમાં ૨ ની અટકાયત
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપની માંથી ચોરી થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાવડર મળી કુલ ૧૪ લાખના મુદ્દામાલ સાથે ૪ મહિના પેહલા જ નોકરી ઉપર લાગેલો કર્મચારી ચોર નીકળ્યો હતો અને કંપનીના જ કર્મચારી સહીત બે ઈસમોને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૯મી જુલાઈના રોજ બપોરે ૧થી રાત્રીના ૧૦ઃ૩૦ વાગ્યા દરમ્યાન અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની સામે આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીના એમ.પી.પી ફોર પ્લાન્ટના પીડીસી સ્ટોરેજ માંથી ૪ કિલો ૨૦૦ ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાવડર મળી કુલ ૧૨.૮૧ લાખના મુદ્દામાલની ચોરી કરી
થતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગે કંપનીના અધિકારી મનોજ વિશ્વકર્માએ કંપનીના જ ત્રણ શિફ્ટ ઈન્ચાર્જ વિરુદ્ધ શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી તે દરમ્યાન ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ સાંઈ સુમન રેસિડેન્સીમાં રહેતો
કંપનીનો કર્મચારી ફેનિલ નટવર પટેલ અને તેનો સંબંધી વિકાસ સુરેશ પટેલ સંડોવાયેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પોલીસને ફેનિલ પટેલના ઘરના તેના જ રૂમમાંથી ચોરી થયેલ ૪.૨૦૦ કિલો ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે જથ્થા અંગે ફેનિલ પટેલની પુછપરછ કરતા તેણે પોતાનું દેવું વધી જતા કંપનીમાં રહેલ કીમતી પાવડરની ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું.પોલીસે કંપનીના કર્મચારી ફેનિલ નટવર પટેલ અને વિકાસ સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો.