ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ અપાશે
ગુજરાત વિધાનસભાની કામગીરીનું ડિજિટલાઇઝેશન
(એજન્સી)ગાંધીનગર, વિધાનસભા સત્ર સહિતની સંપૂર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટલાઇઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગઈ છે. આગામી તા. ૧૩મી સપ્ટેમ્બરથી યોજાનારું વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે.
આ અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-એનઈવીએની તાલીમ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કલ્પના અનુસંધાને ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગથી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે.
રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જાેડાશે અને તે માટે આજથી તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે. અધ્યક્ષે ઉમેર્યું હતું કે, ‘ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જાેડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે.
એટલું જ નહીં, વિધાનસભા કામગીરી સાથે જાેડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. આ ઉપરાંત ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.’