બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફરી ઘોંચમાં, ૫૦ ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના અતિ મહત્વકાંક્ષી ગણાતો બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહી આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના પંચાસ જેટલા અસરગ્રસ્ત ખેડુતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેકટના અસરગ્રસ્ત ૭૦ જેટલા મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરશે.
કેન્દ્ર સરકારનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન જમીન સંપાદનને લઈ હાઇકોર્ટનો ચુકાદો ખેડૂતો તરફી નહીં રહેતા હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટના દ્વાર પહોંચ્યા છે. કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૧૩ના કાયદા પ્રમાણે જમીન સંપાદન કરી વળતર ચુકવવાની માંગ સાથે પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.
આજ રોજ સુપ્રીમ કોર્ટમાં અસરગ્રસ્ત ખેડૂતો સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પિટિશન કરવામાં આવી છે. રાજ્ય સરકાર વર્ષ ૨૦૧૬ ના કાયદા પ્રમાણે ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવાની વાત કરી રહી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૩ના બદલે વર્ષ ૨૦૧૬ના કાયદામાં સુધારા કરી જમીન સંપાદનનો કાયદો લાગુ કર્યો છે. બૂલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છ.
અગાઉ હાઇકોર્ટ દ્વારા ખેડૂતોની અરજી ગ્રાહ્ય ન રાખી ફગાવી દેવામાં આવી હતી. ખેડૂતો સાથે હવે પ્રોજેકટ અસરગ્રસ્ત ૭૦ મકાનોના માલિક પણ સુપ્રીમ કોર્ટમાં યોગ્ય વળતર માટે પીટીશન આવતીકાલે કરશે. જોકે મહારાષ્ટમાં ખેડૂતોને વધુ ભાવ આપવામાં આવે છે ત્યારે આજ પ્રોજેક્ટમાં ગુજરાતના જે ખેડૂતોની જમીન જાય છે, તેને ઓછો ભાવ આપતા ખેડૂતો દ્વારા મહારાષ્ટના ખુડૂતો જેટલું વળતર મળે તે માટે આ પિટિશન કરવામાં આવશે.