મિલકત લેવાની અદાવતે પુત્રીએ પતિ સાથે મળીને માતાને લાકડી વડે માર માર્યો
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના બામરોલી રોડ પર મિલકત લેવાની અદાવતે પુત્રીએ પતિ સાથે મળીને માતાને લાકડી વડે માર માર્યો હતો, સમગ્ર મામલે દંપતી સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ મારુતિનગર સોસાયટીમાં રહેતા હંસાબેન ચંદ્રકાંત ચૌહાણે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ પોતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, તેઓના પતિ ૬ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે, હાલ તેઓ પોતાની બે પુત્રીઓ સાથે જીવન વિતાવે છે,
ગત ૧૪ મે મંગળવારે સવારે દસ વાગે તેઓ ગોધરા શહેરના મારુતિનગર સોસાયટીના ખૂણા પર આવેલી શાકભાજીની દુકાને પોતાની પુત્રીને લઇને શાકભાજી ખરીદવા માટે ગયા હતા, શાકભાજી ખરીદીને હંસાબેન પરત આવી રહ્યા હતા, તે વેળાએ તેઓના જમાઈ પારસ પુરુષોત્તમદાસ ચૌહાણ અપશબ્દો બોલીને હંસાબેન અને રૂપલને મારવા લાગ્યા હતા,
જે દરમ્યાન તેઓના જમાઈ પારસ ચૌહાણે અન્ય પુત્રી સોનલને બોલાવી હતી, જે પણ આવીને પોતાના પતિ સાથે મળીને માતા અને બહેનને અપશબ્દો બોલવા લાગી હતી, જેથી હંસાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા સોનલ ચૌહાણે લાકડી વડે પોતાની માતાને માર માર્યો હતો, જ્યારે હંસાબેનના જમાઈ પારસ ચૌહાણે જણાવ્યું હતું કે તને અને તારી છોકરીને મારીને બચિકુચી મિલકત પણ લઈ લઈશું, જે બાદ હંસાબેને પોલીસને જાણ કરી હતી.