રાજકોટ મ્યુ. કોર્પો.ની સીલ કરવાની કામગીરી સામે લોકોનો ભારે વિરોધ
(એજન્સી)રાજકોટ, શહેરમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકાએ હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી અને બીયુ પરમિશન નથી તેને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે. જેને કારણે અનેક લોકોના ધંધા રોજગારને અસર પહોંચી છે. આજે રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશન દ્વારા બંધ પાળવામાં આવ્યો છે.
શહેરની એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજકોટ હોટલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે સીલ ખોલવા માટે RMCના અધિકારીએ રૂ. ૫ લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ કર્યો છે. રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે,
રાજકોટમાં એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. અત્યારે જ ફાયર એનઓસી અને BU પરમિશન માગવામાં આવે છે. અત્યાર સુધીમાં ૬૦૦ જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. જે પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે ત્યાં રૂ. ૫-૫ લાખના હપ્તા માગવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના નામે એક અધિકારી રૂ. ૫ લાખના હપ્તા માગતા હતા. જેમનું નામ અમીષાબેન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વ્યક્તિ RMCમાં અરજી કરે છે અને તેના આવેદન બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીલ મારવામાં આવે છે. મેહુલ પટેલે વધુમાં કહ્યું હતું કે, અમારી માગણી એ જ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરવાની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે.