ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૬ વર્ષ અગાઉ ૮૫.૭૮ લાખ રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલ કર્મચારી ઝડપાયો
અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે આવેલ ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૬ વર્ષ અગાઉ રાસાયણિક ખાતર વિભાગ , બિયારણ વિભાગ , અમુલ પર્લર , ખેત ઓજાર વિભાગમાં કામ કરતા કર્મચારીઓ તથા પટાવાળાઓ સાથે મળી એકબીજાના મેળાપણાથી જે – તે વિભાગના સંસાધનો તથા નાણાં પોતાના અંગત કામે કરી વાપરી કુલ રૂા . ૮૫ , ૭૮ , ૦૩૬ / – ની ગેરરીતી આચરી ઉચાપત કરતા સહકારી સંસ્થાઓમાં ખળભળાટ મચ્યો હતો.
આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓમાંથી હેલોદરનો કરણસિંહ જવાનસિંહ પગી નામનો શખ્શ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો હતો આ ૮૫.૭૮ લાખના કૌભાંડમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
અરવલ્લી જીલ્લા એસપી મયુર પાટીલે પેરોલ ફર્લો સ્કોડને જીલ્લામાં ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માર્ગદર્શન આપતા માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હતા માલપુર ચાર રસ્તા નજીક પેરોલ ફર્લો પોલીસ જીપ જોઈ કરણસિંહ જવાનસિંહ પગી ખચકાવા લાગતા અને શંકાસ્પદ ગતિવિધિ જણાતા પોલીસે અટકાવી ઈ-ગુજકોપ પોકેટકોપની મદદથી ગુન્હાઇત ઇતિહાસ ચેક કરતાં સદરી આરોપી માલપુર પો . સ્ટે . ફસ્ટ ગુ . ર . નં . ૩૩ / ૨૦૧૪ ઇ . પી . કો . ક . ૪૦૬ , ૪૦૮ મુજબના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવતા આરોપીની અટક કરી હતી ૬ વર્ષ અગાઉ ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૮૫.૭૮ લાખ રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલ કર્મચારી અને છેલ્લા ૬ વર્ષથી પોલીસને હાથતાળી આપતા કરણસિંહ જવાનસિંહ પગી (રહે,હેલોદર, તા.માલપુર ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.