રાજ્ય સરકારના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચૂકવણી એડવાન્સમાં કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.
અત્રે નોંધનીય છે કે સરકારી કર્મચારીઓ માટે તહેવારો દરમ્યાન પગાર-પેંશન કયારે થશે? તે ચિંતાનો વિષય હોય છે. કયારેક એવા સંજોગો પણ બને છે કે તહેવાર ના છેલ્લા દિવસ સુધી કર્મચારીઓ તેમના પરિવારજનો માટે ખરીદી કરી શકતા નથી તેમજ તહેવાર નો આનંદ માણી શકતા નથી. પરંતુ માનવીય અભિગમ ધરાવતા મુખ્યમંત્રી એ આ વરસે એડવાન્સ પગાર – પેંશન ચૂકવવા માટે નિર્ણય કરી હજારો કર્મચારી અને તેમના પરિવારજનો ની દિવાળી સુધારી છે.