Western Times News

Gujarati News

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની FIR ન નોંધાતા યુવતીએ PM મોદી સુધી ફરિયાદ કરી?!

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની FIR ન નોંધાતા યુવતીએ PM મોદી સુધી ફરિયાદ કરતા આ કેસ વકીલ આલમમાં ટોક ઓફ ધી બાર બન્યો ?!

તસ્વીર ડાબી બાજુથી નવરંગપુરા પોલીસ સ્ટેશનની છે ! બીજી તસ્વીર ગુજરાત હાઈકોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટની છે ! નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી ગીતાબેન ચૌધરી એક જવાબદાર સેકન્ડ પી.આઈ. છે ! આજકાલ યુવતીઓ સાથે દુષ્કર્મ કરી ફસાવતા ગુન્હા પોલીસ દફતરે નોંધાઈ રહ્યા છે !

લગ્નની બાંહેધરી આપી રેપ કેસો થતાં રહે છે અને પછી પરિવાર સહમત નથી કહી યુવક છટકી જાય તો તેમાં કઈ ચારિત્ર્ય શીલતા છે ?! ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી નિરલભાઈ મહેતાએ ગુજરાત પોલીસની ઝાટકણી કાઢતા સુપ્રિમ કોર્ટના લલીતાકુમારી કેસમાં આપેલા ચૂકાદા મુજબ સીધી એફ.આઈ.આર. જ દાખલ કરવી પડે એવું અવલોકન તાજેતરમાં જ એક કેસમાં કર્યું છે ?!

પોલીસ આરોપીની તપાસ કરવાનને બદલે યુવતીના અંગત જીવનની તપાસ ન કરી શકે ?! બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ અને જસ્ટીસ શ્રી પ્રણવભાઈ ત્રિવેદીએ પણ એક કેસમાં અવલોકન કરતા કહ્યું છકે કે, ‘જયારે પિડીત પરિવાર આક્ષેપ કરતો હોય અને તેઓ તેના સાક્ષી છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધવી જ પડે !

પોલીસ ફરિયાદ નોંધવાનો કોઈપણ સંજોગોમાં ઈન્કાર ન કરી શકે’! જયારે ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી પી. વી. સંજયકુમારની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટના ચૂકાદાને રદબાતલ ઠરાવતા કહ્યું હતું કે, “આરોપી અને પિડીતા વચ્ચે માત્ર સમજુતીના આધારે બળાત્કાર કેસ રદ કરી શકાય નહીં આ ચૂકાદો સુપ્રિમ કોર્ટે તા. ૦૭-૧૧-૨૦૨૪ ના રોજ જાહેર કર્યાે છે”!!

ત્યારે નવરંગપુરાના પોલીસ અધિકારી ગીતાબેન ચૌધરી અને નવરંગપુરાના અન્ય ઉચ્ચ અધિકારી “આત્મદર્શન” કરશે ?! કાયદાના શાસનનું મહત્વ સમજશે ?! “મે આઈ. હેલ્પ યુ” ના પોલીસ સ્ટેશન બહાર બોર્ડ મારવાનો કોઈ અર્થ નથી. (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડી.જી.પી. વિકાસ સહાય, શહેર પોલીસ કમિશ્નર મલિક સમક્ષ તા. ૧૧-૦૯-૨૦૨૪ ના રોજ રજૂઆત કરાયા પછી પણ નવરંગપુરા પોલીસે એફ.આઈ.આર. નોંધી કોપી ન આપતા મુદ્દો વડાપ્રધાનશ્રીની કચેરીએ પહોંચ્યો ?!

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ નિરલ મહેતાએ એક કેસમાં એવું અવલોકન કર્યું છે કે, “દુષ્કર્મ”ના કેસમાં સુપ્રિમ કોર્ટ લલીતાકુમારી કેસમાં આવેલા ચૂકાદા મુજબ પોલીસે સીધી એફ.આઈ.આર. દાખલ કરવી પડે ! અને ચીફ જસ્ટીસ સુનિતાબેન અગ્રવાલ અને જસ્ટીસ પ્રવિણભાઈ ત્રિવેદના એક કેસના અવલોકન મુજબ પિડીત પરિવાર આક્ષેપ કરતો હોય તો પોલીસે ફરિયાદ નોંધવી જ પડે !!

સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “દેશના બંધારણની પ્રસ્તાવનામાં જ કાયદાના શાસનની વિભાવના રહી છે, માનવ સન્માન, લોકશાહી અને ન્યાય એ કાયદાના શાસનના ત્રણ મહત્વના મૂલ્યો છે !! કાયદાનું શાસન એ લોકશાહીનો આધારસ્તંભ છે”!! જયારે ચાણકયે કહ્યું છે કે, “દુર્જનને ગમે તેટલું જ્ઞાન આપો તો પણ તે સાધુ નહીં બની શકે ! જે રીતે લીંબડાના ઝાડને દુધથી સીંચો તો પણ તે મીઠું નહીં બની શકે ?!”

દેશના નેતાઓ ગાંધી, સરદારની વાત કરે છે પણ દેશમાં કેટલા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પેદા થયા ?! દેશમાં પોલીસ, ડી.જી.પી. તરીકે જે એફ. રિબેરોનું તથા કિરણ બેદી થઈ ગયા તેમના ઉદાહરણ અપાય છે ! પરંતુ દેશમાં આવા કેટલા પોલીસ અધિકારી બન્યા ?! જેમણે ન્યાય અપાવવાનું કામ કર્યું ?! નવરંગપુરા પોલલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રની એક યુવતીએ (નામ બદલ્યું છે) “હિતાંશી”એ પોતાની ફરિયાદ લેવાય અને ન્યાય મળે તે માટે રજૂઆત કરી ચૂકી છે !

આ માસુમ યુવતીનું નિવેદન પણ લેવાઈ ચૂકયું છે ! છતાં કહેવાતી તપાસના નામે આરોપીને બચાવવા માટેના પેંતરા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી કરાય છે અને સેકન્ડ પી.આઈ. ચૌધરી સામે શંકાની સોય ઉઠાવાઈ રહી છે ?!

યુવતી ફરિયાદ ન કરે અને સમાધાન કરે લે એવું અભૂતપૂર્વ દબાણ કરવાની તક પણ નવરંગપુરાના તપાસ અધિકારી આપી રહ્યા છે ! આથી કંટાળીને ફરિયાદી યુવતીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરવાજા ખટખટાવતા ભારે ચકચાર મચી ગઈ છે !!

ફરિયાદી યુવતીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂઆત કરતા કહે છે કે, “હું બળાત્કારનો ભોગ બનીપછી ડીપ્રેશનમાં આવીને સ્યુસાઈડ કરવા રીવર ફ્રન્ટ ગઈ હતી ત્યાર પછી હિંમત કરી નવરંગપુરામાં નિવેદન આપ્યું”

ગુજરાતની પોલીસ શું એ ભુલી ગઈ છે કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, “બહેનો તમે મને એક પોસ્ટકાર્ડ લખજો હું તમને મદદ કરીશ”!! પરંતુ બહેનો આ વાત કઈ રીતે ભુલી શકે ?!

એટલે ફરિયાદી યુવતી હિતાંશીની ફરિયાદ નોંધી તેને એફ.આઈ.આર.ની કોપી ન મળતા યુવતીએ આખરી કંટાળીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને પોતાની આપવિતી જણાવતા કહ્યું છે કે, “યુવતી સાથે જબરજસ્તીથી શારીરિક સબંધ બાંધ્યા પછી લગ્ન કરવાનું વચન આપી વારંવાર શારીરિક સબંધો બાંધી હવસ સંતોષી પોતે લગ્ન કરવાની બાંહેધરી આપી છટકી જતાં યુવતી કહે છે કે,

પોતે ડીપ્રેશનમાં આવી સ્યુસાઈડ કરવા ગયેલી ! પરંતુ આખરે હિંમત કરીને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધ્યા છતાં એફ.આઈ.આર. ન નોંધી બીનગુજરાતી યુવતીને અન્યાય કરાઈ રહ્યો છે”!! વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂઆતમાં યુવતીએ કહ્યું છે કે, ‘તેણે તા. ૧૧-૦૯-૨૦૨૪ ના રોજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી’!! ગુજરાતના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે પણ કહ્યું છે કે, “એફ.આઈ.આર. નોંધવાનો કે એફ.આઈ.આર. કરી તપાસ કરવાનો કોઈ પોલીસ અધિકારી ઈન્કાર ન કરી શકે છતાં યુવતીની ફરિયાદ નોંધવામાં નથી આવી ?!

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ હિતાંશીએ એવી પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે કે, “આજદિન સુધી મારી ફરિયાદની એફ.આઈ.આર. કરી નથી અને બીજી તરફ છોકરાના રીસ્તેદાર (આરોપી વિપુલના સગાવ્હાલા) મારી ઉપર સમાધાન કરવા ચાલાકીપૂર્વક વોટસ-એપથી ફોન કરે છે મારા પ્રેમને ખરીદવાની કોશિષ થાય છે ! ચારે બાજુથી દબાણ કરાય છે

આથી મને શંકા છે કે, સેકન્ડ પી.આઈ. ચૌધરી સાહેબ આરોપીને કોઈ અગમ્ય કારણોસર સમાધાન કરવાનો ટાઈમ આપી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓને પણ તેની પડી નથી, આ એક દુઃખદ અને શરમજનક બાબત છે”!! યુવતીએ એવો પણ આક્ષેપ કર્યાે છે કે, “સામાવાળાનો ભાઈ મારા વિરૂધ્ધ ચારિત્ર્યહીનતાનો પ્રચાર કરી પોતાના ભાઈનો બચાવ કરી રહ્યો છે”!! નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યું છે ?! તે આ સમજી શકો છો !

એવું પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરાયેલી રજૂઆતમાં લખ્યું હોવાનું જાણવા મળેલ છે ! અંતમાં લખ્યું છે કે, ‘આથી નાછૂટકે આપની સમક્ષ રજૂઆત કરૂં છું’!! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.