૧૪-૧૬ વર્ષના બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ શિક્ષણ કરતાં સોશિયલ મીડિયા માટે વધારે કરે છે: સર્વે
નવી દિલ્હી, સ્માર્ટફોનનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે, પણ આ જ સ્માર્ટફોન બાળકો માટે મોટું દૂષણ પુરવાર થઈ રહ્યો છે. મંગળવારે જાહેર થયેલા એક અહેવાલ મુજબ ૧૪-૧૬ વર્ષના વયજૂથના ૭૬ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે કરે છે.
જ્યારે લગભગ ૫૭ ટકા બાળકો શિક્ષણ માટે સ્માર્ટફોન વાપરે છે.એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ અનુસાર ૧૪-૧૬ વર્ષના ૮૨ ટકાથી વધુ બાળકોને સ્માર્ટફોન વાપરતા આવડે છે. ઉપરાંત, આ વયજૂથના છોકરાઓ પાસે છોકરીઓ કરતાં વધુ સ્માર્ટફોન છે.
એએસઈઆર ૨૦૨૪ દેશભરમાં કરાયેલો ગ્રામીણ પરિવારોનો સરવે છે. જેમાં ૬૦૫ જિલ્લાના ૧૭,૯૯૭ ગામમાં ૬,૪૯,૪૯૧ બાળકોને આવરી લેવાયા હતા. ‘પ્રથમ’ નામના એનજીઓની મદદથી કરાયેલા સરવેમાં દરેક જિલ્લામાં સ્થાનિક સંસ્થા કે સંગઠને સરવેની કામગીરી હાથ ધરી હતી.
અહેવાલની વિગત અનુસાર “૧૪-૧૬ વર્ષના વયજૂથના ૮૨.૨ ટકા બાળકોને સ્માર્ટફોન વાપરતા આવડે છે. સમીક્ષા હેઠળના ગાળામાં ૫૭ ટકા બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે અને ૭૬ ટકાએ સોશિયલ મીડિયા માટે તેનો ઉપયોગ કર્યાે હતો. ૭૮.૮ ટકા છોકરાઓ અને ૭૩.૪ ટકા છોકરીઓએ સોશિયલ મીડિયા માટે સ્માર્ટફોન વાપર્યાે હતો.”
એએસઈઆરના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર “કેરલમાં સૌથી વધુ ૮૦ ટકા બાળકોએ શિક્ષણ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યાે હતો. જોકે, સોશિયલ મીડિયા માટે પણ રાજ્યના ૯૦ ટકા બાળકોએ સ્માર્ટફોન વાપર્યાે હતો.” અહેવાલમાં જણાવ્યા અનુસાર તમામ રાજ્યોમાં ૩૬.૨ ટકા છોકરાઓ પાસે પોતાનો સ્માર્ટફોન હતો.
જ્યારે છોકરીઓની બાબતમાં આ હિસ્સો ૨૬.૯ ટકા હતો. એએસઈઆરના અહેવાલમાં જણાવ્યા અનુસાર કોવિડ-૧૯ મહામારી વખતે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની વધેલી સંખ્યા ફરી ૨૦૧૮ના સ્તરે આવી ગઇ છે.
સરવે મુજબ મહામારીના વર્ષાેમાં સરકારી શાળાઓણાં ૬-૧૪ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશનમાં મોટો વધારો થયો હતો. તે ૨૦૧૮ના ૬૫.૬ ટકાથી વધીને ૨૦૨૨માં ૭૨.૯ ટકા થયું હતું. જોકે, ૨૦૨૪માં તે ઘટીને ફરી ૬૬.૮ ટકા થયું છે. ખાનગી શાળાઓમાં બાળકોના એડમિશનનું પ્રમાણ ૨૦૧૪માં ૩૦.૮ ટકા હતું અને ૨૦૧૮માં પણ એ જ સ્તરે રહ્યું હતું.SS1MS