નોકરીથી છૂટીને ઘરે જઈ રહેલા યુવકની હત્યા કેમ કરવામાં આવી?
નરોડા પાટિયા પાસે મોડી રાતે યુવકની ઘાતકી હત્યા
(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાતે ચાર માથાભારે તત્ત્વોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો છે જેમાં એકનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. જાહેરમાં યુવકની હત્યા થતાંની સાથે જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
યુવક નોકરીથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી છે. યુવકની પત્ની જ્યારે તેને શોધવા માટે નીકળી ત્યારે નરોડા પાટિયા પાસે ટોળું જોયું હતું. મહિલાએ ટોળામાં જઈને જોગું તો તેના પતિની લાશ પડી હતી.
નોબલનગર વિસ્તારમાં આવેલા સુભાષનગરમાં રહેતા કકુબહેન ઠાકોરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અભય સહિત ચાર લોકો વિરૂદ્ધ હત્યા, હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. કકુબહેન ઘરકામ કરે છે અને તેમના પતિ ભરત ઠાકોર તેમજ બે દિકરા, એક દીકરી સાથે રહે છે. ભરત ઠાકોર ઈન્ટાસ કંપનીની સ્ટાફ બસ અમદાવાદથી સાણંદ ચલાવે છ. ભરતની નોકરીનો સમય સવારના સાત વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીનો છે.
ભરત નોકરી જવા માટે સવારના પોણા સાત વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. રાતે ભરતના આવવાનો સમય થઈ ગયો હતો પરંતુ તે આવ્યા નહીં જેના કારણે કકુબહેન ચિંતામાં મૂકાઈ ગયા હતા. કકુબહેને તરત જ ભરતને ફોન કર્યો જેથી તેમણે ફોન ઉપાડીને કહ્યું કે હું નરોડા પાટિયા આવી ગયો છું. થોડીવારમાં ઘરે આવું છું.
થોડા સમય પછી કકુબહેને ભરતને ફોન કર્યો પરંતુ તેમણે ફોન કાપી નાંખ્યો હતો ત્યારબાદ એકાએક ફોન સ્વીચ આફ થઈ ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય તેવો ભાસ કકુબહેનને થયો હતો. જેથી તેઓ તરત જ તેમનું એક્ટિવા લઈને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે જવા માટે નીકળી ગયા હતા.
ભરત કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે ઈન્ટાસ કંપનીની બસ પાર્ક કરે છે. કકુબહેન નરોડા પાટિયા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું ટોળું ઊભું હતું. કકુબહેનને શંકા જતાં તેમણે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું અને શું બનાવ બન્યો છે તે જોવા માટે ટોળામાં ગયા હતા.
ટોળામાં જતાંની સાથે જ કકુબહેને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જમીન પર લોહીથી લથપથ હાલતમાં કકુબહેનના પતિ ભરત ઠાકોર પડયા હતા જેથી તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. કકુબહેને પોતાના સંબંધીઓને બોલાવી લીધા હતા. જ્યારે ભરત ઠાકોર પાસે શિવપ્રકાસ નામનો યુવક પણ ઈજાગ્રસ્ત હાલતમાં હતો.
૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને સ્થાનિક લોકોએ બોલાવી લીધી હતી. ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે ભરત ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. જ્યારે શિવપ્રકાશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નરોડા પાટિયા પાસે આવેલા આનંદ પાન પાર્લર પાસે અભય સહિત ચાર યુવકોએ ભરત ઠાકોર અને શિવપ્રકાશ ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. પબ્લિકની અવર-જવર વચ્ચે બે યુવકો પર છરીના ઘા ઝીંકી દેવાતા ભરત ઠાકોરનું કરૂણ મોત છે.