Western Times News

Gujarati News

કુરીયરનું કામ કરતાં યુવકની પત્નિને ડિજિટલ એરેસ્ટ કરી 1.10 લાખ પડાવ્યા

વીડિયો કોલ કરનાર ગઠિયાએ પોલીસ હોવાનું આઈકાર્ડ વોટ્‌સએપ પર મોકલી આપ્યું

(એજન્સી)અમદાવાદ, સાયબર ગઠિયા દર વખતે વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લોકોના બેન્ક બેલેન્સ ખાલી કરી દેતા હોય છે. સાયબર ક્રાઈમની ઘટનાઓથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ત્યારે હાલ સૌથી વધુ ડિજિટલ એરેસ્ટની બોલબાલા છે. છાપામાં દરરોજ ડીજીટલ એરેસ્ટના સમાયાર આવે છે, સરકાર અવેરનેસ પ્રોગ્રામ કરે છે, પાર્સલમાં ડ્ર્ગ્સ, શેરબજાર, અને વિવિધ બહાના હેઠળ નાગરીકો ડિજીટલ એરેસ્ટ થઈ રહ્યા છે.

સરકાર દ્વારા જાગૃતિ લાવવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાંય લોકોમાં સતર્કતા આવતી નથી. રાયખડમાં રહેતી એક પરિણીત મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. આતંકવાદી માટે કામ કરો છો, ડ્રગ્સની હેરાફેરી કરો છો તેમ કહીને મહિલા પાસેથી ૧.૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

ડિજિટલ એરેસ્ટના બહાને થતી છેતરપિંડી સાયબર ક્રાઈમ માટે જાણે કે માથાનો દુઃખાવો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ડિજિટલ એરેસ્ટના બનાવોને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હજુ પણ અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે.

ત્યારે આવો વધુ એક બનાવ અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. રાયખડ વિસ્તારમાં આવેલી સૈયદવાડીમાં રહેતી હિનાનાઝ કાદરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટની ફરિયાદ કરી છે. હિનાનાઝ સંયુક્ત પરિવારમાં રહે છે જ્યારે તેના પતિ પ્રાઈવેટ કંપનીમાં કુરિયરમેન તરીકેની નોકરી કરે છે.

થોડા દિવસ પહેલાં હિનાનાઝ ઘરે હાજર હતી ત્યારે તેના મોબાઈલ પર એક વોટ્‌સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર કોઈ મહિલા હતી અને તેણે હિન્દીમાં વાત કરવાનું ચાલુ કર્યું હતું. મહિલાએ હિનાનાઝને જણાવ્યું હતું કે, તમારા નામનું એરેસ્ટ વોરંટ છે તમારે બે કલાકમાં હૈદરાબાદ ક્રાઈમ બ્રાન્ચમાં આવવું પડશે.

મહિલાની વાત સાંભળીને હિનાનાઝે જવાબ આપ્યો હતો કે, મેં કાંઈ કર્યું નથી તો શેનું વોરંટ છે. મહિલાએ હિનાનાઝને જવાબ આપ્યો હતો કે, તમારા નામ ઉપર ડ્રગ્સ સપ્લાય થાય છે. જો તમે અહીં નહીં આવી શકો તો હું વીડિયો કોલ કરીને તમારી હૈદરાબાદ ક્રાઈમમાં વાત કરાવું.

મહિલાએ હિનાનાઝને વીડિયો કોલ કર્યો હતો જ્યાં સામેથી એક પુરૂષ વાત કરતો હતો. હિનાનાઝે વીડિયો કોલિંગમાં સામે રહેલી વ્યક્તિનો ચહેરો દેખાયો નહીં. ક્રાઈમ બ્રાન્ચના નામે કોલ કરનારે હિનાનાઝને અલગ રૂમમાં જવા માટેનું જણાવ્યું હતું. કોલિંગમાં પોલીસ કર્મચારી છે તેવું માનીને હિનાનાઝ બીજા રૂમમાં જતી હતી. હિનાનાઝને શંકા જતાં તેણે કોલ કરનારે પૂછયું હતું કે, હું તમને ઓળખતી નથી.

તમે પોલીસવાળા છો કે કોણ તેની મને ખબર નથી. હિનાનાઝની વાત સાંભળીને કોલ કરનારે તેનું આઈકાર્ડ વોટ્‌સએપ કર્યું હતું. વોટ્‌સએપમાં હૈદરાબાદ પોલીસના ફોટોવાળું આઈકાર્ડ હતું ત્યારબાદ હિનાનાઝને એરેસ્ટ વોરંટ પણ મોકલ્યું હતું.

હિનાનાઝને જે વોરંટ મોકલાયું હતું તેમાં ઈડીના આસિસ્ટન્ટ ડિરેકટર નીરજકુમારનું નામ હતું. વીડિયો કોલ કરનાર શખ્સે હિનાનાઝને જણાવ્યું હતું કે, તમે આતંકવાદીઓ માટે કામ કરો છો, તમારા એકાઉન્ટમાં બ્લેકમની આવે છે. તમારે તે પૈસા અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. જો રૂપિયા ટ્રાન્સફર નહીં કરો તો તમને એરેસ્ટ કરવા પડશે. વીડિયો કોલ કરનારની વાતથી હિનાનાઝ ગભરાઈ ગઈ હતી

અને તરત જ બેન્કની તમામ વિગતો આપી દીધી હતી. હિનાનાઝે ગઠિયાઓને ધરપકડ થાય નહીં તે માટે રૂ.૧.૧૦ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. હિનાનાઝે આ મામલે તેના પરિવારના સભ્યોને જાણ કરતાં તે ડિજિટલ એરેસ્ટનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. હિનાનાઝે તરત જ સાયબર હેલ્પલાઈનમાં ફોન કર્યો હતો અને ફરિયાદ કરી હતી.

સાયબર હેલ્પલાઈનથી એન્કલોજમેન્ટ નંબર આવતાં હિનાનાઝે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હિનાનાઝની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.