ઈન્ડિયા AI પ્રોજેક્ટ માટે અંદાજીત 10 કરોડ ફાળવવામાં આવ્યા
આગામી થોડા મહિનામાં ઈન્ડિયાએઆઈ લોન્ચ કરવામાં આવશેઃ અશ્વિની વૈષ્ણવ
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ પોતાનું એઆઈ મોડલ બનાવી રહ્યું છે. આગામી થોડા મહિનામાં ઈન્ડિયા એઆઈ લોન્ચ કરવામાં આવશે. આ માટે ૧૮,૬૯૩ જીપીયુનો ઉપયોગ કરવામાં આવશે. એક પછી એક, ઘણી કંપનીઓ તેમના મોડલ લોન્ચ કરી રહી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ભારત પણ પાછળ નહીં રહે. યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત હવે પોતાનું એઆઈ મોડલ તૈયાર કરી રહ્યું છે.
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, મોર્ડન ટેક્નોલોજી દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આથી હવે ભારત પણ એઆઈ પાછળ કામ કરી રહ્યું છે જેથી આ ટેક્નોલોજીનો ઉપયોગ દેશની દરેક વ્યક્તિ કરી શકે. આ સાથે જ પ્રાઇવસીને લગતાં તમામ બાબતોનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક બાબતોનું એમાં ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવશે.
ભારત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ છે એઆઈ મોડલ અને એ માટે કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે ૧૮,૬૯૩ જીપીયુનો ઉપયોગ કરવામાં આવશે. એમાંથી ૧૨,૮૯૬ એનવીડીઆઈએ એચ૧૦૦ જીપીયુ અને ૧,૪૮૦ એનવીડીઆઈએ એચ૨૦૦ જીપીયુનો ઉપયોગ કરવામાં આવશે.
હાલમાં ભારત પાસે ૧૦,૦૦૦ જીપીયુ તૈયાર છે અને એનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. બાકીના થોડા દિવસમાં આવી જશે. દેશની આર્થિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ લાર્જ લેન્ગવેજ મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે ઓડિશામાં એઆઈ મોડલ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ સેન્ટર દ્વારા એઆઈમાટેની જે જરૂરીયાતો છે એ તમામ પૂરી કરવામાં આવશે. ભારતના એઆઈ મિશનને ૨૦૨૪ની માર્ચમાં કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે ૧૦,૩૭૨.૯૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઇન્ડિયાના સ્ટાર્ટઅપ અને રિસર્ચ કમ્યુનિટીનો પણ વિકાસ કરવા માટે આ એઆઈ મોડલનો ઉપયોગ કરવામાં આવશે.
આ સાથે પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપને પણ એક નવો વેગ મળી શકે અને દરેક ક્ષેત્રના લોકો એક સાથે આગળ વધે અને એના કારણે દેશનો પણ વિકાસ થાય એ ધ્યેય સાથે આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એઆઈ મોડલનો ઉપયોગ ખાસ કરીને હેલ્થકેર, એગ્રીકલ્ચર અને સરકારી ડિપાર્ટમેન્ટ માટે કરવામાં આવશે.