Western Times News

Gujarati News

શેત્રુંજી સહિત છ ડેમ ઓવરફલોઃ ૧૯ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સૌથી વધુ ગઢડામાં ૧૪ ઇંચ, પાલીતાણામાં ૧૨ ઇંચ, સિહોરમાં ૧૧.૬ ઇંચ, બોટાદમાં ૧૧ ઇંચ, ઉમરાળામાં ૧૦.૪ ઇંચ, જેસરમાં ૧૧ ઈંચ, મહુવામાં ૯ ઈંચ અને રાજુલામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો

(એજન્સી)અમદાવાદ, છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. ગત મોડી રાત્રે ૨થી ૪ વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં ૪ ઈંચ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૧ તાલુકામાં ધોધમાર વરસાદ પડી ચૂક્્યો છે.

આ પૈકી સૌથી વધુ ગઢડામાં ૧૪ ઇંચ, પાલીતાણામાં ૧૨ ઇંચ, સિહોરમાં ૧૧.૬ ઇંચ, બોટાદમાં ૧૧ ઇંચ, ઉમરાળામાં ૧૦.૪ ઇંચ, જેસરમાં ૧૧ ઈંચ, મહુવામાં ૯ ઈંચ અને રાજુલામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં અપર સરકયુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદના પગલે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે (૧૭ જૂન) બપોરે ૧ કલાકે ૧૦૦% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાંને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ અમરેલીના ૫ ડેમ થયા ઓવરફ્લો થયા છે. ધાતરવાડી ડેમના તમામ ૧૬ દરવાજા ત્રણ-ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. પાણી છોડતા પહેલા સાયરન વગાડીને નીચાણવાળા અને નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સિઝનના પ્રથમ ભારે વરસાદમાં જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.

ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (૧૮ જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, ૧૮ જૂન ૨૦૨૫ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને ધોરણ ૧૨ સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે.

ભૂતિયા ગામ નજીક ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો કોઝવે તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની જૂની પાઈપલાઈન પણ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે.

નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાઓને ઍલર્ટ કરી દેવાયા છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

બંગાળની ખાડી ફરી એકવાર ઉત્તર-પશ્ચિમ ભાગમાં તોફાની બની છે. તે જ સમયે, દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વી અને મધ્ય ભારતમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે ચોમાસું સક્રિય થયું છે. ચોમાસું ફરી એકવાર સક્રિય થવા લાગ્યું છે. હવામાન વિભાગે ૧૯ જૂન સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૧ જૂન સુધી દક્ષિણ ભારતમાં હવામાન બગડી શકે છે. આઇએમડી અનુસાર, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ સાથે ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ૧૭ જૂન સુધી કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. ૧૫ જૂને તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ૨૦ સેમીથી વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

૨૧ જૂન સુધી પશ્ચિમ ભારતના ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું બેસી ગયું છે. આ સાથે ૧૬મી જૂને અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠાના ધાનેરામાં પણ ગરમી અને ભારે બફારા બાદ રવિવારે સાંજના સુમારે પવન સાથે વરસાદ તૂટી પડતાં ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાયાં હતાં. ધાનેરા નગરપાલિકા પાસે, ધાનેરા જૂના બસ સ્ટેન્ડ, નેનાવા રોડ તેમજ ધાનેરાથી ડીસા રોડ પર આવેલ મુખ્ય બજારોમાં પાણી ભરાતાં વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

સાપુતારામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેથી શનિ-રવિની મજા કરવા આવેલા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આહવામાં ૩.૫ ઇંચ, વઘઇમાં ૨.૧ ઇંચ, સુબિરમાં ૧.૭૮ ઇંચ અને સાપુતારામાં ૧.૨ ઇંચ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.