Western Times News

Gujarati News

પ્રભાસની ‘રાજાસાબ’ માટે ઐતિહાસિક સેટ ઊભો કરાયાનો દાવો

હોરર કોમેડી ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે, તેમાં નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન પણ મહત્વના રોલમાં હશે

હોરર ફિલ્મ માટે ભારતનો સૌથી મોટો ૪૦ હજાર સ્ક્વેર ફીટનો સેટ બન્યો

મુંબઈ,છેલ્લાં થોડા વખતથી ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા તબક્કે પહોંચી છે કે હોરર ફિલ્મ જ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે, પછી તે ‘સ્ત્રી ૨’ હોય કે પછી ‘ભૂલભલૈયા ૩’, ‘મૂંજ્યા’ કે પછી ‘અર્નામનાઈ’. એવું બની કે કોઈ ફિલ્મ હિટ બને કે કોઈ ઓછી ચાલે તેમ છતાં ફિલ્મ મેકર્સ હોરર ફિલ્મ અંગે કોઈ પણ ચાન્સ લેવા તૈયાર છે. ત્યારે હવે એક એવી તેલુગુ ફિલ્મ આવી રહી છે, જેમાં ટોપ એક્ટર તો લીડ રોલમાં છે જ સાથે જ આ ફિલ્મની ટીમનો દાવો તેઓ ભારતીય સિનેમાનો સૌથી મોટી હવેલીનો સેટ બનાવી રહ્યા હોવાનો પણ દાવો કરે છે.

તાજેતરમાં જ મારુથિ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થયેલી પ્રભાસની ફિલ્મ ‘ધ રાજા સાબ’નું ટીઝર લોંચ થયું છે. ત્યારે ફિલ્મની ટીમ દ્વારા જાહેર થયેલી પ્રેસનોટમાં ફિલ્મની ટીમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની હોરર કોમેડી ફિલ્મના કેન્દ્રમાં એક એવી હવેલી હશે, જે અત્યાર સુધીમાં ભારતીય સિનેમાના ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી.આ ફિલ્મનો સેટ આર્ટ ડિઝાઇનર રાજીવન નાંબિયાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જે ૪૧,૨૫૬ સ્ક્વેર ફૂટનો છે. ફિલ્મની ટીમના મતે આ હવેલી માત્ર એક બેકડ્રોપ નથી પરંતુ એક સર્વાગ્રહી, જીવંત, જીવતું જાગતું સ્થળ છે.

જે ફિલ્મની વાર્તાનો બહુ મોટો હિસ્સો છે. જેમાં વિશાળ ઊંચા દરવાજા, કમાનોવાળા મંડપવાળા રવેશ સહિતનું સ્થાપત્ય જોવા મળશે.રાજીવને આ અંગે જણાવ્યું, “દરેક બારીકી ફિલ્મની ભાવના સાથે જોડાવી જોઈએ, માત્ર સુંદરતા જ નહીં. અમે નહોતા ઇચ્છતા કે સેટ ડરામણો દેખાય પરંતુ તેમ છતાં તેમાં ડર અનુભવાય. અમારો હેતુ કશુંક એવું તૈયાર કરવાનો હતો જે તમે અંદર પ્રવેશો કે તમને પોતાના તરફ આકર્ષે પછી તમે માત્ર મુલાકાતી હોય કે અંદર ચાલીને અનુભવવા માગતા હોય.”

આ ફિલ્મ તરફથી આવતા નિવેદનમાં એવું પણ કહેવાયું છે, “દરેક પત્થર, સાધન અને પડછાયો આ ફિલ્મમાં હોરર અનુભવાય તે માટે ઉપયોગમાં લેવાયા છે. હવેલીનું તળિયું પણ એવી રીતે તૈયાર થયું છે, જેનું ટેક્સ્ચર અને દૃષ્યો હોરરમાં વધારો કરે. આ માત્ર ડિઝાઇન નથી, આ જગ્યા દ્વારા કહેવાતી વાર્તા છે.”હોરર કોમેડી ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે, તેમાં નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન પણ મહત્વના રોલમાં હશે. આ ફિલ્મ વિશ્વ પ્રસાદ દ્વારા પ્રોડ્યુસ થઈ છે, આ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.