Western Times News

Gujarati News

પતિ અને સાસુએ બાળકને ફોઈના ઘરે લઈ જઈ સંતાડ્યુંઃ અભયમ ટીમે માતાને પરત અપાવ્યું

અભયમ ટીમે માતાને બાળક પરત અપાવી માનવતા દર્શાવી

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી એક મા ની લાગણીસભર ફરિયાદના આધારે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે ત્વરિત પગલાં ભરતા દોઢ વર્ષના નાનકડા બાળકને તેની માતાને પરત અપાવી માનવતાભર્યું કાર્ય કર્યું છે.

મામલો આ પ્રકારનો હતો કે ગોધરા સીટી વિસ્તારમાં રહેતી એક યુવતીએ ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કરીને પોતે તણાવમાં હોવાની માહિતી આપી હતી. તેણીએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષના પુત્રને તેના પતિ અને સાસુએ છીનવી લીધો છે અને બાળકને પોતાની પાસે રાખવા દેતા નથી. બાળક માતા વિના રહી શકતું નથી અને તે ખૂબ વ્યથિત હતી.

૧૮૧ અભયમની ટીમે કોલ મળતાની સાથે જ ઝડપભેર ઘટના સ્થળે પહોંચીને પીડિતાનું કાઉન્સિલિંગ કર્યું. તપાસમાં બહાર આવ્યું કે પીડિતાના લગ્નને લગભગ ત્રણ વર્ષ થયાં છે અને તેને તેના પતિ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ મળતો હતો. પતિ તેના પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો ખોટો વહેમ રાખીને હિંસા કરતો હતો. પીડિતાને પિયરમાં રહેવાની પણ મનાઈ કરવામાં આવતી હતી

અને સાસુ-સસરા તરફથી પણ પિડીત કરવામાં આવતી હતી. જ્યારે ૧૮૧ ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે પતિ અને સાસુ બાળકને ફોઈના ઘરે લઈ જતાં છુપાવી દીધું હતું. મહિલા હેલ્પલાઇન ટીમે કાયદાકીય માહિતી આપી હતી કે નાનું બાળક મોટાભાગે પોતાની માતાની સામે કાનૂની હક્ક ધરાવે છે અને બાળકને ઝુંટવી લેવું એ કાનૂન પ્રમાણે યોગ્ય નથી.

જ્યારે પીડિતાની સાસુ અને પતિને આ બાબતે સમજ અપાઈ, ત્યારે તેઓએ પોતાની ભૂલ સ્વીકારી અને બાળકને તેની માતાને પરત સોંપી દીધું. સાથે જ પીડિતાને પણ ઘરમાં સન્માનપૂર્વક રાખવાની ખાતરી આપવામાં આવી. આ ઘટના બાદ પીડિતાએ અને તેના પરિવારજનો સહિત સૌએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને તેમની સેવાની પ્રશંસા કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.