Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નથી

અમદાવાદ: આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડા. જયંતી રવિએ જણાવ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને ‘પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન’ જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. કોઇએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, માત્ર તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો સામે પૂરતી કાળજી રાખવાની આવશ્યકતા છે.

ડા. રવિએ ઉમેર્યું હતું કે, કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ત્રણ સભ્યોની તબિબિ ટીમ આજે ગુજરાતની મુલાકાતે આવી હતી. આ ટીમમાં સફદરગંજ હોસ્પિટલ, નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રોફેસર નવંગ, એનસીડીસી, નવી દિલ્હીના એપિડોલોજીસ્ટ ડા. વિનય ગર્ગ તેમજ સફદરગંજ હોસ્પિટલના માઇક્રો બાયોલોજીસ્ટ ડા. મનીષા જૈને અમદાવાદ એરપોર્ટ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે તેમજ તેની સારવાર માટે લીધેલા પગલાઓથી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ડા. રવિએ ઉમેર્યું કે, સમગ્ર વિશ્વમાં આજે ૩૨૪૧ કેસો કોરોના વાયરસના નોંધાયા છે જે સાથે કુલ ૨૦,૬૩૦ કેસો છે અને આજે ૬૪ મૃત્યુ મળી અત્યાર સુધી વિશ્વમાં કુલ ૪૨૬ મૃત્યુ નોધાયા છે. માત્ર ચીનમાં જ કુલ ૨૦,૪૭૧ કેસો નોંધાયા છે અને ૪૨૫ મોત થયા છે. ભારતમાં કુલ ત્રણ કેસો પોઝીટીવ નોંધાયા છે જે કેરળમાં છે. રાજ્યમાં ૮ શંકાસ્પદ કેસો જણાતા તેમના સેમ્પલ એનઆઇવી પૂના ખાતે મોકલવામાં આવ્યા છે

તે પૈકી પાંચ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને જે ત્રણ સેમ્પલ પેન્ડીંગમાં છે જેનો રીપોર્ટ મોડી રાત સુધીમાં આવી જશે. સફદરગંજ હોસ્પિટલના નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રો. નવંગે કહ્યું હતું કે, ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં આ વાયરસ સામે બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં ૩૦ બેડની વ્યવસ્થા, આઇસીયુ, વેન્ટીલેટર, જરૂરી માસ્કની સુવિધાની સાથે ૨૪ કલાક તાલિમી તબીબી સ્ટાફ કાર્યરત છે.

વિશ્વમાં કોરોના વાયરસના મહત્તમ ૯૯ ટકા કેસ માત્ર ચાઇનામાં છે તેમાં પણ સૌથી વધુ ૯૧ ટકા કેસ ચાઇનાના વુહાન વિસ્તારમાં છે. આ વાયરસમાં મૃત્યુનો દર અત્યાર સુધીમાં માત્ર ૨ ટકા નોંધાયો છે એટલે કે દર ૧૦૦ દર્દીઓએ માત્ર બે દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં માત્ર ૩ દર્દી હાલ કેરળમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.