Western Times News

Gujarati News

રશિયાએ અમેરિકાને આપી ‘પરમાણુ હુમલા’ની ધમકી

મોસ્કો/વોશિંગ્ટન, ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકી સેના દ્વારા રશિયન ફ્લેગ ધરાવતા ઓઈલ ટેન્કર ‘મરીનેરા’ને જપ્ત કરવામાં આવતા રશિયા અને અમેરિકા વચ્ચે ગંભીર સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી.

રશિયાના સંરક્ષણ સમિતિના વરિષ્ઠ સભ્ય અને સાંસદ એલેક્સી ઝુરાવલેવે આ ઘટનાને ‘ખુલ્લી ચાંચિયાગીરી’ ગણાવી અમેરિકાને પરમાણુ હુમલાની ગંભીર ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રશિયન ફ્લેગ હેઠળના જહાજ પરનો હુમલો એ રશિયન પ્રદેશ પરના હુમલા સમાન છે, અને રશિયાની સૈન્ય નીતિ આવી સ્થિતિમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની મંજૂરી આપે છે.રશિયન સાંસદે સોશિયલ મીડિયા પર આક્રમક નિવેદન આપતા કહ્યું કે, અમેરિકાને રોકવા માટે રશિયાએ સૈન્ય સ્તરે વળતો જવાબ આપવો જોઈએ.

તેમણે ભલામણ કરી હતી કે રશિયાએ અમેરિકન કોસ્ટ ગાર્ડની બોટ પર ટોર્પિડોથી હુમલો કરી તેને ડૂબાડી દેવી જોઈએ. ઝુરાવલેવે આક્ષેપ કર્યાે હતો કે વેનેઝુએલામાં કરેલી કાર્યવાહી બાદ અમેરિકા બેફામ બન્યું છે અને તેને પાઠ ભણાવવો જરૂરી છે. અહેવાલો છે કે આ જપ્ત કરાયેલા જહાજની આસપાસ રશિયન સબમરીન અને અન્ય યુદ્ધ જહાજો પહેલેથી જ તૈનાત હોવાથી સમુદ્રમાં ગમે ત્યારે અથડામણ થવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ, અમેરિકાના યુરોપિયન કમાન્ડે દાવો કર્યાે છે કે આ ટેન્કર અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. વેનેઝુએલા નજીક પખવાડિયા સુધી પીછો કર્યા બાદ, અમેરિકી ફેડરલ કોર્ટના વોરંટના આધારે કોસ્ટ ગાર્ડ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અમેરિકાના મતે, આ જહાજ અગાઉ વર્ષ ૨૦૨૪ માં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું નામ બદલીને ‘મરીનેરા’ રાખવામાં આવ્યું હતું. રશિયાના પરિવહન મંત્રાલયે આ કાર્યવાહીની નિંદા કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ખુલ્લા સમુદ્રમાં કોઈ પણ દેશ અન્ય દેશના જહાજ પર બળપ્રયોગ કરી શકે નહીં.અત્રે ઉલ્લેખનીય છે કે બંને દેશો પાસે વિશાળ પરમાણુ શસ્ત્રાગાર હોવાથી આ ઘટના વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની છે.

રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ આ જહાજને રશિયન ધ્વજ હેઠળ સફર કરવાની કામચલાઉ મંજૂરી આપવામાં આવી હતી અને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળસીમાની બહાર જઈને આ જહાજ પર કબજો કર્યાે છે. હાલમાં આ જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેને રશિયા પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો પર સીધો પ્રહાર ગણાવી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.