Western Times News

Gujarati News

પતંગના મંડપને સરખો કરવા જતા વીજ કરંટથી એકનું મોત, બે ગંભીર

Beautiful Kites in Kite Market.

અમદાવાદ , કઠવાડા વિસ્તારમાં પતંગના સ્ટોલમાં ત્રણ સગીર મિત્રો આરામ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરઝડપે આવેલી એક કાર સ્ટોલ સાથે અથડાતા મંડપ તૂટી પડ્યો હતો. ત્યારબાદ સ્ટોલને ફરી સરખો કરતી વખતે ખુલ્લા પડેલા ઇલેક્ટ્રિક વાયરથી ત્રણેય સગીરને કરંટ લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેમાં એક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બે સગીરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કઠવાડા સિંગરવા રોડ નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતના મકાનમાં ૧૬ વર્ષીય સગીર પરિવાર સાથે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. ૧૦ જાન્યુઆરીએ તે બે સગીર મિત્રો સાથે કઠવાડા સોસાયટીની સામે આવેલા પતંગના સ્ટોલમાં આરામ કરી રહ્યો હતો.

આ સમયે પૂરઝડપે આવી રહેલા કારચાલકે કાર પતંગના સ્ટોલના થાંભલા સાથે અથડાવી હતી, જેના કારણે સ્ટોલ જમીન પર ઢળી પડ્યો હતો. સ્ટોલ તૂટી પડ્યા બાદ સગીર પોતાના બે મિત્રો સાથે મંડપને સરખો કરવા માટે ગયો હતો. તે દરમિયાન મંડપમાં ખુલ્લા પડેલા ઇલેક્ટ્રિક વાયરનો સ્પર્શ થતાં ત્રણેયને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેઓ સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન ૧૬ વર્ષીય સગીરનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રોની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ મામલે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આગળ વધારતા કારચાલકનું નામ ધર્મેશ ચુનારા હોવાનું બહાર આવ્યું છે. આરોપીનો ગુનાઇત ઈતિહાસ હોવાનો પણ ખુલાસો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.