નળસરોવર પાસે પ્લોટની સ્કીમ ઊભી કરી છે કહી ૧૫ લોકો સાથે ૫૦ લાખની ઠગાઈ
અમદાવાદ, નળ સરોવર પાસે પ્લોટની સ્કીમમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપીને શરૂ કરવામાં આવેલી સ્કીમમાં લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નરોડા ગેલેક્ષી રોડ પાસે આવેલા સુહર્દ કોમ્પલેક્સમાં ઓફિસ ખોલીને વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં ચાર ગઠિયાએ એક બે નહીં પરંતુ ૧૫થી વધુ લોકો પાસેથી કુલ રૂ.૫૦.૨૧ લાખનું રોકાણ કરાવીને તમામ રકમ ચાઉં કરી લીધા છે.
જો કે આ ચારેય ગઠિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.પાલનપુરમાં પરિવાર સાથે રહેતા જયંતિભાઈ પ્રજાપતિ (ઉ.૫૫) પાલનપુરમાં હીરા ઉદ્યોગનું કારખાનું ધરાવીને વેપાર ધંધો કરે છે. વર્ષ ૨૦૧૧ જયંતિભાઈ નરોડા ખાતે રહેતા તેના મિત્રને મળવા સારું ઘરે ગયા હતા.
બંને મિત્રો બેસીને વાતચીત કરતા હતા. પ્લોટની ખરીદી કરવાની વાત નીકળતા જયંતિભાઈ જણાવ્યું કે તેમને પણ પ્લોટ લેવાનો છે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ અને સારો પ્લોટ હોય તો જણાવજો એટલે જયંતિભાઈના મિત્ર વિરાભાઈ પટેલે જણાવ્યું કે નરોડા ગેલેક્ષી પાસે સુહર્દ કોમ્પલેક્સમાં અંજની બીલકોમ પ્રા. લિમિટેડ નામની ઓફિસ છે અને તે લોકો પ્લોટિંગની સ્કીમનું લે-વેચનું કામકાજ કરે છે.
બાદમાં બંને મિત્રો અંજની બીલકોમ પ્રા.લિમિટેડ નામની ઓફિસે ઇન્ક્વાયરી કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં પ્રવીણ પટેલ અને તેમની સાથે તેમના ચાર મિત્રો હાજર હતા અને તે લોકોએ નળ સરોવર પાસે નળઉપવન નામની પ્લોટની સ્કીમ બનાવીએ છીએ કહીને બ્રોશર સહિતના ફોટા પણ બતાવ્યા હતા.
આ તમામ વસ્તુ જોઇને જયંતિભાઈએ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આરોપી પ્રવીણભાઈ અને તેમની ટોળકીએ જણાવ્યું કે દર મહિને રૂ.૫૦૦૦ ભરવાના રહેશે અને એવા ૭૨ મહિના સુધી રૂપિયા ભર્યા બાદ પ્લોટનો દસ્તાવેજ કરી આપવામાં આવશે.
આ સ્કીમ સાંભળીને જયંતિભાઈએ પોતે પણ રોકાણ કર્યું અને તેમની સાથે બીજા ૧૫ જેટલા લોકોને આ સ્કીમની વાતચીત કરીને રોકાણ કરાવ્યું હતું. એટલે વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધીમાં ભોગ બનનાર જયંતિભાઈ પ્રજાપતિ સહિત ૧૫ જેટલા લોકો પ્લોટની સ્કીમમાં કુલ રૂ.૫૦.૨૧ લાખ રૂપિયાનું રોકાણ કરી બેઠા હતા.
બાદમાં તમામ લોકો પ્લોટના દસ્તાવેજની માગણી કરતા આરોપીઓ રોજે-રોજ અવનવા બહાના બતાડવા લાગ્યા હતા. આખરે વૃદ્ધ જયંતિભાઈએ આ મામલે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે પ્રવીણ પટેલ, અશોક પટેલ, છગન પટેલ અને હિમાંશુ પટેલ વિરુદ્ધ ઠગાઈની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.નળ સરોવર પાસે નળ ઉપવન નામથી પ્લોટની સ્કીમ બનાવીએ છીએ કહીને ભોગ બનનારને પેમ્પલેટ અને બ્રોશર બતાવવામાં આવતું હતું.
૧૫૦ વારનો પ્લોટ હોવાનું કહીને દર મહિને ૫૦૦૦ રૂપિયા આગામી ૭૨ મહિના સુધી ભર્યા બાદ પ્લોટનો દસ્તાવેજ કરી આપવાની ડંફાસો મારવામાં આવતી હતી. તમામ રૂપિયા ભરાઈ ગયા બાદ ચારેય ઠગ આરોપીઓ રોજે રોજ કોઈના કોઈ બહાના આપતા રહેતા હતા.SS1MS
