Western Times News

Gujarati News

સંરક્ષણ મંત્રાલય માટે ૭.૮ લાખ કરોડ રૂપિયાની ફાળવણી

સંરક્ષણ બજેટમાં ૧૫%નો વધારો કરવામાં આવ્યો

(એજન્સી)નવી દિલ્હી, વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને સરહદી પડકારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રે સુરક્ષા કવચ વધુ મજબૂત કર્યું છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬માં સંરક્ષણ મંત્રાલય માટે ૭.૮ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે ગત વર્ષના ૬.૮૧ લાખ કરોડ રૂપિયાની સરખામણીએ અંદાજે ૧૪થી ૧૫ ટકાનો મોટો વધારો દર્શાવે છે.

આ વખતના બજેટનું મુખ્ય આકર્ષણ સેનાનું આધુનિકીકરણ છે. સરકારે આધુનિક હથિયારો અને નવી ટેકનોલોજીના સમાવેશ માટે મૂડી બજેટમાં મોટો વધારો કર્યો છે. નવા સાધનો, ડ્રોન, મિસાઈલ અને ફાઈટર જેટની ખરીદી માટે ગત વર્ષના ૧.૮૦ લાખ કરોડ રૂપિયાથી વધારીને ૨.૧૯ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બજેટનો ઉપયોગ સેનાને આધુનિક ડ્રોન સિસ્ટમ, લાંબી દૂરીની મિસાઇલો અને સાયબર સુરક્ષા માળખાથી સજ્જ કરવા માટે થશે.

વિશ્વભરમાં રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના યુદ્ધો તેમજ ભારતની ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર સતત બદલાતી પરિસ્થિતિને જોતા આ વધારો અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. સેનાને ‘ટુ-ફ્રન્ટ વોર’ માટે તૈયાર રાખવા અને આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આ પગલું લેવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.