કોઈ અધિકારી ફોન ન ઉપાડે અથવા પ્રજાના કામમાં ઠાગાઠૈયા કરે, તો કમિશનરે તેનું રાજીનામું માંગી લેવું: CM
File
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, નાણાંમંત્રી તેમજ રાજ્યની તમામ મહાનગર પાલિકાઓના મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસકામો હતો, પરંતુ નગરસેવકોની વ્યથા સાંભળીને મુખ્યમંત્રીનો મિજાજ ગરમ થયો હતો.
ગાંધીનગર સહિત રાજ્યના અનેક કોર્પોરેશનના નગરસેવકોએ એકસૂરે ફરિયાદ કરી હતી કે અધિકારીઓ જનપ્રતિનિધિઓના ફોન ઉપાડતા નથી. રજૂઆત કરવા છતાં કામોના નિરાકરણ આવતા નથી. વોર્ડ સંકલનની બેઠકો માત્ર ઔપચારિકતા બની ગઈ છે; ત્યાં રજૂ કરેલા પ્રશ્નો જોઈ લેશું, જોવડાવી લેશું કહીને અભરાઈએ ચડાવી દેવાય છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે લોકોના પ્રશ્નો માટે જો નગરસેવક ફોન કરે અને અધિકારી મનમાની કરે, તો તે સાંજે જ રાજીનામું આપી દે. જનતાના કામમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ માત્ર નાના અધિકારીઓ જ નહીં, પણ મ્યુનિસિપલ કમિશનરોને પણ આડે હાથ લીધા હતા.
તેમણે અત્યંત કડક સૂચના આપતા જણાવ્યું કે જો કોઈ અધિકારી ફોન ન ઉપાડે અથવા પ્રજાના કામમાં ઠાગાઠૈયા કરે, તો કમિશનરે તેનું રાજીનામું માંગી લેવું. જો મ્યુનિસિપલ કમિશનર આવા બેજવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં અસમર્થ હોય, તો તેમણે પોતે રાજીનામું આપવાની તૈયારી રાખવી પડશે.
મુખ્યમંત્રીના આ આક્રમક તેવરને કારણે વહીવટી લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. નગરસેવકોએ આ નિર્ણયને આવકાર્યો છે, કારણ કે તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને જાય ત્યારે અધિકારીઓના નકારાત્મક વલણને કારણે પ્રજા વચ્ચે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડતું હતું. આ સૂચના બાદ હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મહાનગર પાલિકાઓની કાર્યશૈલીમાં કેટલો સુધારો આવે છે અને કયા બાહુબલી અધિકારીઓ પર ગાજ પડે છે.
