વેન્ટિલેશનની જાળીના કાચ ખોલીને તસ્કરોએ ૧૩.૦૩ લાખની મતા ચોરી
Files Photo
(એજન્સી)અમદાવાદ, શહેરના ઘાટલોડિયામાં આવેલી ન્યૂ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી પરિવારજનો સાથે જનોઇ પ્રસંગમાં રાજકોટ ગયા હતા. આ દરમિયાન ઘરમાંથી સોના-ચાંદીના ૧૩.૦૩ લાખના દાગીનાની ચોરી થઈ હતી. વેપારીએ તપાસ કરતા ચોર ધાબા પરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ઘરમાં ઘૂસીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઘાટલોડિયામાં આવેલી ન્યૂ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા સંકેતભાઈ ઠક્કર આયુર્વેદિક કંપનીમાં કમિશન પર વેપાર કરે છે. ૨૨ જાન્યુઆરીએ સંકેતભાઇ પરિવારજનો સાથે રાજકોટ ખાતે મામાની દીકરીના દીકરાની જનોઈના પ્રસંગમાં ગયા હતા. જે બાદ ૨૫ જાન્યુઆરીએ તે સાંજે ઘરે આવ્યા હતા.
ત્યારે ઘરની અંદર જઈને જોયું તો બેડરૂમમાં કબાટના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેમણે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. સંકેતભાઈએ ઉપરના માળે જઈને ત્રણ બેડરૂમની તપાસ કરતા તેમના પિતાજીના બેડરૂમમાં કબાટનું ખાનું ખુલ્લું હતું. કબાટમાંથી સોના-ચાંદીના લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી.
સંકેતભાઇએ તપાસ કરતા ૧૨.૭૦ લાખના સોનાના દાગીના અને ૩૩ હજારના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન ચોર ધાબા પરથી વેન્ટિલેશનની જાળીનો કાચ ખોલીને આવ્યો હતો. સંકેતભાઈએ ઘાટલોડીયા પોલીસને ચોરી અંગે જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
