Western Times News

Gujarati News

સરદારનગર BJPમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ

બગીચાના લોકાર્પણ માં માત્ર બે કોર્પોરેટરો જ હાજર રહ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદારનગર વોર્ડમાં તૈયાર કરવામાં આવેલા નવા ગાર્ડનના સોમવારે કરવામાં આવેલા લોકાર્પણ વેળા ભાજપનો આંતરિક જુથવાદ જોવા મળ્યો હતો.

ઝૂલેલાલ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે સરદારનગર વોર્ડના ચાર કાઉન્સિલરો પૈકી માત્ર બે જ કોર્પોરેટર હાજર રહ્યા હતા, એટલું જ નહીં પરંતુ સરદારનગર વોર્ડના BJPના કાર્યકરો અને સ્થાનિક હોદ્દેદારોની પણ પાંખી હાજરી જોવા મળી હતી. જોકે, ઝૂલેલાલ ગાર્ડનના લોકાર્પણ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી બાકીના કોર્પોરેટરો અને કાર્યકરો આવ્યા હતા

સરદારનગર વોર્ડમાં ઝૂલેલાલ ગાર્ડનના લોકાર્પણ અને નામાભિધાન દરમિયાન અગમ્ય કારણોસર BJPના બે કોર્પોરેટરોની ગેરહાજરી ‘સૂચક’ ગણાવામાં આવી હતી આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે સરદારનગર વોર્ડમાં ટિકીટ મેળવવા અને હાલના કોર્પોરેટરોને ‘કાપવા’ માટેનો ચક્રો ગતિમાન થઈ ગયા હોવાનું BJPના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણી આડે ત્રણ- ચાર મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે ઝૂલેલાલ ગાર્ડનના લોકાર્પણમાં સ્થાનિક રાજકારણીઓ અને  BJPના બે કોર્પોરેટરોની ‘ગેરહાજરી’ નોંધપાત્ર હોવાનું સરદારનગર વોર્ડમાં BJPમાં વકરી રહેલ આંતરિક જુથવાદની ગંભીર નોંધ મોવડી મંડળે લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, સરદારનગર વોર્ડમાં સિંધી સમાજની વસ્તીને ધ્યાનમાં લઈને નવા બનાવાયેલા ગાર્ડનનું નામાભિધાન ઝૂલેલાલ રાખવામાં આવ્યું છે. મેયર પ્રતિભા જૈન દ્વારા નવા ગાર્ડનનું સોમવારે લોકાર્પણ અને નામાભિધાન કરવામાં આવ્યું હતું. જોકે, આ નવા બગીચાના લોકાર્પણ કાર્યક્રમનો ૧૧-૧૫નો રાખવામાં આવ્યો હતો અને મેયર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ૧૧ વાગ્યે પહોંચી ગયા હતા. પરંતુ તે વેળા BJPના બે જ કોર્પોરેટર હાજર હતા અને BJPના કાર્યકરોની પણ ખૂબ પાંખી હાજરી જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.