ભદ્રકાળી મંદિર પરિસરમાં ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન થયું
( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય લોકસંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઉજવણીના ભાગરૂપે “નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા” અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને વિવિધ સંસ્થાઓએ મળીને કાર્યક્રમ “નમસ્તે વર્લ્ડ”નું 2 ફેબ્રુઆરી, સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ ફોક ડાન્સ અને મ્યુઝિક ફેસ્ટિવલ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ દેશોનાં લોકનૃત્ય અને લોકસંગીતનું એક જ મંચ પર પ્રદર્શન જોવા મળ્યું.
“નમસ્તે વર્લ્ડ – ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ 2026 : એ ગ્લોબલ કલ્ચરલ સેલિબ્રેશન” હતું, જેમાં વિશ્વભરના કલાકારો પોતાની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને રજૂ કરતાં નૃત્યો, સંગીતમય ગાયન તથા પરંપરાગત વેશભૂષાને રજૂ કરી હતી. એકતા અને શાંતિનાં સંદેશને પ્રોત્સાહન આપવા આ વૈશ્વિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અમદાવાદના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં ભદ્રકાળી મંદિર, ભદ્ર, અમદાવાદ ખાતે યોજાયો હતો. જ્યાં સાંજના સમયે વિશ્વભરની સંસ્કૃતિને સંકલિત કરી એક અનોખો સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો.
