Western Times News

Gujarati News

મેટા-વોટ્‌સએપ નિયમોનું પાલન કરે, નહીંતર ભારત છોડે’: સુપ્રીમ

પ્રાઇવેટ પોલિસી પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી; કહ્યું- ભારતીયોનો ડેટા શેર કરવાની મંજૂરી નહીં આપીએ

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્‌સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. ૨૦૨૧ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ આપી કે વોટ્‌સેપની પ્રાઈવસી પોલિસી શોષણકારી છે. વોટ્‌સએપ યુઝરનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરી કમાણી પણ કરે છે.

સીજેઆઈ સૂર્યકાંતે કડક શબ્દોમાં મેટા અને વોટ્‌સએપને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હોવ તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના કોઈ પણ નાગરિકની પ્રાઈવસી જોખમમાં ના મૂકી શકીએ. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ વૃદ્ધ મહિલા, રસ્તા કિનારે વેપાર કરતી વ્યક્તિ કે પછી માત્ર તમિલ આવડતું હોય તેવા લોકો તમારી પોલિસી કેવી રીતે સમજી શકે?

સીજેઆઈએ વોટ્‌સએપને કડક શબ્દોમાં કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં. અમને પણ તમારી પોલિસી સમજવામાં સમસ્યા આવે છે તો બિહારના ગામમાં રહેતા લોકોને શું સમજાશે? ડૉક્ટર વોટ્‌સેપમાં ત્રણ દવા લખીને આપે તો ૫ મિનિટમાં દવાની જાહેરાતો ફોનમાં દેખાવવા લાગે છે.

સીજેઆઈએ વોટ્‌સએપને આદેશ આપતા કહ્યું કે, અમે તમને યુઝર્સનો ડેટા મેટાને શેર કરવાની અનુમતિ નહીં આપીએ. યુઝર્સને એપની ‘લત’ લગાવી દેવામાં આવી છે અને હવે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. પૈસા કમાવવા માટે લાખો યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવામાં આવે છે.

ભારતના યુઝર્સ મૌન છે તેનો અર્થ એ નથી કે તમે ગમે તેનો ડેટા વેચવા લાગો! સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે તથા આ કેસ પર હવે ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે. આ મામલે ૯ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.

નોંધનીય છે કે ૨૦૨૪ના નવેમ્બર મહિનામાં સીસીઆઈએ વોટ્‌સએપને પ્રાઈવસી પોલિસી તથા પ્રતિસ્પર્ધા કાયદાના ભંગ બદલ ૨૧૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વોટ્‌સએપ પર આરોપ હતો કે કંપનીએ યુઝર્સને નવી પોલિસી સ્વીકાર કરવા મજબૂર કર્યા. જે બાદ મેટા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.