Western Times News

Gujarati News

ત્રણ દિવસથી પીવાના પાણીની સમસ્યા ભોગવતાં હિન્દુ પરિવારોને મસ્જીદમાંથી પાણી પૂરું પાડી માનવતા બતાવી

(એજન્સી)અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની લાઈનના સમારકામને લઈને પાણીનો પુરવઠો ખોરવાઈ જતા અનેક નાગરિકોને પાણી વિના રહેવાનો વારો આવ્યો છે.

આ સ્થિતિમાં દરિયાપુરમાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલ એક માત્ર ફૂટી મસ્જિદના ટ્રસ્ટીઓ અને સામાજિક કાર્યકરોએ લોકો પાણી વીના રહે નહીં તે માટે મસ્જિદનો બોર ત્રણ કલાક સુધી ચાલુ રાખી વિસ્તારના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડી માનવતાનો દાખલો બેસાડયો છે. આ અંગે વાત કરતા સ્થાનિક સામાજિક કાર્યકર અઝીઝભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પીવાના પાણીનો પુરવઠો અટવાયો છે.

આ સ્થિતિમાં ફૂટી મસ્જિદની આસપાસ વસતા હિન્દુ ભાઈ-બહેનોને પણ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાની અમને જાણ થઈ હતી. આ સ્થિતિમાં હિન્દુ વિસ્તારમાં આવેલ ફૂટી મસ્જિદના ટ્રસ્ટી અને દરિયાપુરના કોંગ્રેસ અગ્રણી ઈકબાલ શેખને આ અંગે વાત કરતા તેમણે લોકોને પાણી પૂરું પાડવા માટે મસ્જિદનો બોર ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.

આ દિશામાં મસ્જિદના પેશઈમામ સલીમશેખ, સામાજિક કાર્યકર રફીક નગરી અને અન્ય આગેવાનો સહિતના લોકોએ ઊભા રહીને હિન્દુ ભાઈ-બહેનોને પીવાના પાણી મળી રહે તે માટે ત્રણ કલાક સુધી બોર ચાલુ રાખીને પાણી પૂરું પાડયું હતું. અત્રે નોંધનીય છે કે, એક સમયમાં દરિયાપુર અતિસંવેદનશીલ વિસ્તારની યાદીમાં મોખરે હતું.

જો કે, સમયાંતરે અહીંના સ્થાનિક લોકોએ આ વિસ્તારને આ કલંકમાંથી મુક્તિ અપાવી દીધી છે. રથયાત્રા હોય કે દિવાળી કે ઈદ આ વિસ્તારના લોકો હળીમળીને સાથે ઉજવણી કરીને માનવતા જ ધર્મ છે તે ઉક્તિને સાર્થક કરી રહ્યા છે.

રફીક નગરીએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની લાઈન બદલાતી હોઈ કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં માનવતાના નાતે ૩ કલાક સુધી બોર ચાલુ રાખીને લોકોને પાણી આપી અમે અમારી ફરજ નિભાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.