ભારતનું પ્રથમ સહકારી-આધારિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ, “ભારત ટેક્સી” લોન્ચ થશે
અમિત શાહ ‘ભારત ટેક્સી’ લોન્ચ કરશે
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુરુવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારતનું પ્રથમ સહકારી-આધારિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ, “ભારત ટેક્સી” લોન્ચ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુરૂપ, આ લોન્ચિંગ સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અને સર્વસમાવેશક, નાગરિક-કેન્દ્રીત ગતિશીલતા ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, સહકાર મંત્રાલય રોજગાર નિર્માણ, સામાજિક સુરક્ષા અને પાયાના સ્તરે આર્થિક ભાગીદારીના અસરકારક માધ્યમ તરીકે સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત ટેક્સીને ગતિશીલતા ક્ષેત્રમાં એક પરિવર્તનકારી પહેલ તરીકે પરિકલ્પિત કરવામાં આવી છે, જે ડ્રાઈવરોને—જેમને સારથિ તરીકે ઓળખવામાં આવે છે—તેમને માલિકી, કામગીરી અને મૂલ્ય નિર્માણના કેન્દ્રમાં રાખે છે, જેનાથી તેઓને શોષણયુક્ત એગ્રીગેટર-આધારિત મોડેલોમાંથી મુક્ત કરવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન, સહકારી-આધારિત ગતિશીલતા ઇકોસિસ્ટમમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ટોચના છ પ્રદર્શન કરનાર સારથિઓનું સન્માન કરવામાં આવશે. માનનીય મંત્રી આ સારથિઓને શેર સર્ટિફિકેટ વિતરિત કરશે, જે ‘સારથિ હી માલિક’ના મૂળ સિદ્ધાંતને વધુ મજબૂત બનાવશે. સન્માનિત દરેક સારથિને રૂ. ૫ લાખ નું વ્યક્તિગત અકસ્માત વીમા કવચ અને રૂ. ૫ લાખ નું ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ કવચ પૂરું પાડવામાં આવશે, જે ડ્રાઈવર કલ્યાણ અને લાંબા ગાળાની સામાજિક સુરક્ષા પ્રત્યે ભારત ટેક્સીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે, ઓપરેશનલ એકીકરણ, ડિજિટલ સશક્તિકરણ, સુરક્ષા અને સેવા વિતરણને મજબૂત કરવા માટે મુખ્ય જાહેર અને ખાનગી હિતધારકો સાથે નવ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (ર્સ્ેંજ)ની આપ-લે કરવામાં આવશે. ભારત ટેક્સી એ મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, ૨૦૦૨ હેઠળ નોંધાયેલ ભારતનું પ્રથમ સહકારી-સંચાલિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ છે, અને તેની સ્થાપના ૬ જૂન ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી.
આ પ્લેટફોર્મ ઝીરો-કમિશન અને સર્જ-ફ્રી (વધારે ભાવ વિનાની) પ્રાઈસિંગ મોડેલ પર કાર્ય કરે છે, જેમાં નફાનું સીધું વિતરણ ડ્રાઈવરોને થાય છે, જે વિદેશી રોકાણ-આધારિત એગ્રીગેટર પ્લેટફોર્મ્સ માટે એક સ્વદેશી વિકલ્પ રજૂ કરે છે. ભારત ટેક્સી હેલ્થ ઇન્સ્યોરન્સ, અકસ્માત વીમો, રિટાયરમેન્ટ સેવિંગ્સ (નિવૃત્તિ બચત) અને સમર્પિત ડ્રાઈવર સપોર્ટ સિસ્ટમ દ્વારા સારથિઓ માટે સામાજિક સુરક્ષાને પ્રાથમિકતા આપે છે.
દિલ્હીમાં સાત મુખ્ય સ્થળોએ સપોર્ટ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્લેટફોર્મ ઝડપી ઈમરજન્સી સહાય, વેરિફાઈડ રાઈડ ડેટા પ્રદાન કરે છે અને ડ્રાઈવરોને કોઈ પણ એક્સક્લુઝિવિટી ક્લોઝ વિના અન્ય પ્લેટફોર્મ પર કામ કરવાની સ્વતંત્રતા આપે છે.
