Western Times News

Gujarati News

અમદાવાદમાં વાયરલ ઈન્ફેકશનના કેસમાં વધારો

પ્રતિકાત્મક

મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કયારેક કકડતી ઠંડી તો કયારેક બપોરે અનુભવાતો અસહ્ય ગરમીનો અહેસાસ આ મિકસ સિઝન હવે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે.

વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યભરમાં વાયરલ ઈન્ફેકશન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. નોંધનીય છે કે, મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દિવસ અને રાત્રીના તાપમાનમાં દરરોજ એકથી લઈ પાંચ ડિગ્રી જેટલો વધારો ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે લોકો રોગના ભોગ બન્યા છે. ખાસ કરી લોકો વાયરલ ઈન્ફેકશનના ભોગ બન્યા છે.

છેલ્લા બે દિવસોથી રાજ્યના વિવિધ શહેરના લુઘત્તમ તાપમાન ર૦ ડિગ્રીથી આસપાસ નોંધાઈ રહ્યા છે જેના કારણે મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ બપોરે ગરમીનો પારો ૩ર ડિગ્રીની આસપાસ પહોંચી જતાં સામાન્ય ગરમીનો અનુભવ થતો હતો.

આમ એક જ દિવસે બે ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આ જ પ્રકારનું વાતાવરણ રહેતા લોકો જુદા જુદા રોગોના શિકાર બની રહ્યા છે જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોની સિવિ હોસ્પિટલો તેમજ ખાનગી ક્લિનિકોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપીડીમાં સામાન્ય દિવસો કરતાં ર૦%થી રપ% સુધીનો વધારો નોંધાયો છે.ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો આ બદલાતા હવામાનનો શિકાર વધુ બની રહ્યા છે. નિષ્ણાંત તબીબોના જણાવ્યા મુજબ હાલમાં જોવા મળી રહેલા વાયરલ ઈન્ફેકશનમાં સતત ઉધરસ અને ગળામાં દુઃખાવો, શરીરનો દુઃખાવો અને નબળાઈ, ઝીણો તાવ જે લાંબા સમય સુધી રહેવો આવા લક્ષણો હોય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.