હવે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી: ૧ એપ્રિલથી આવક-જાતિ સહિત ૧૮ પ્રમાણપત્રો મળશે ઓનલાઈન
AI Image
રાજ્યના ૮૦ લાખ પરિવારોને થશે સીધો ફાયદો
ગાંધીનગર, ગાંધીનગરથી ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અને સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવા માટે ગુજરાત સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે ગાંધીનગર ખાતે મળેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આગામી ૧ એપ્રિલથી રાજ્યમાં આવક અને જાતિ સહિતના ૧૮ જેટલા મહત્વના પ્રમાણપત્રો સંપૂર્ણપણે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે પણ શાળાઓમાં એડમિશન ની સીઝન શરૂ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલી પડે છે.
ખાસ કરીને આવકના દાખલાઅને જાતિના પ્રમાણપત્રો મેળવવા માટે તેમને સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડતું હતું. એડમિશનની તારીખો સાચવવાની ચિંતા અને સમયમર્યાદાના દબાણને કારણે વાલીઓ ભારે હાલાકી ભોગવતા હતા. આ સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા માટે અને નાગરિકોની સુવિધા માટે સરકારે આ ફેસલેસ સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા એટલી સરળ અને પારદર્શક બનાવવામાં આવે કે નાગરિકોને કચેરીએ જવાની જરૂર જ ન પડે. હવે નાગરિકો આવક, જાતિ અને અન્ય જરૂરી ૧૮ પ્રકારના દસ્તાવેજો ઓનલાઈન પોર્ટલ પરથી સીધા મેળવી શકશે. સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી રાજ્યના અંદાજે ૭૦ થી ૮૦ લાખ પરિવારોને સીધો ફાયદો થશે. હવે તેમનો કિંમતી સમય તથા શક્તિ બચશે અને સરકારી કચેરીઓના બિનજરૂરી ધક્કા ખાવામાંથી તેમને કાયમી મુક્તિ મળશે.
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં અન્ય વિભાગોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. માહિતી મુજબ, રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૫૯ લાખ લાભાર્થી ખેડૂતોનું સફળતાપૂર્વક ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જે સરકારી યોજનાઓના લાભમાં પારદર્શિતા લાવશે.
