Western Times News

Gujarati News

દેશભરમાં ૯૩૦ કરોડનું ફૂલેકું ફેરવનાર દુબઈ કનેક્શનવાળી ગેંગ ઝડપાઇ

(એજન્સી)અમદાવાદ,  ગુજરાત સાયબર પોલીસે એક એવા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી છે. ભારતભરના ૨૮ રાજ્યોમાં કુલ ૧૫૩૪ જેટલા સાયબર ગુના આચરનાર એક અત્યંત સંગઠિત ગેંગને પોલીસે દબોચી લીધી છે.

આ ટોળકીએ અત્યાર સુધીમાં નિર્દોષ લોકો પાસેથી અંદાજે ૯૩૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે ગીર સોમનાથના વેરાવળ સહિતના વિસ્તારોમાંથી કુલ ૫ ભેજાબાજ આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ છેતરપિંડીના કાળા નાણાંને સગેવગે કરવા માટે બેંકોમાં ૮૦ જેટલા બોગસ એકાઉન્ટ્‌સ ખોલાવ્યા હતા. આ એકાઉન્ટ્‌સ ભાડે અથવા અન્ય વ્યક્તિઓના નામે ખોલાવી તેમાં છેતરપિંડીની રકમ જમા કરાવવામાં આવતી હતી. આ નેટવર્કની એક મહત્વની શાખા વેરાવળમાં કાર્યરત હતી, જે અલગ-અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોને શીશામાં ઉતારતી હતી. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો વળાંક ‘દુબઈ કનેક્શન’ના રૂપમાં આવ્યો છે.

મુખ્ય આરોપી અબ્દુલ સીધો દુબઈથી આ નેટવર્કનું સંચાલન કરતો હતો અને તેણે ૫૦ થી વધુ વખત દુબઈથી નાણાં ઉપાડ્‌યા હતા. આરોપી ગગજી ‘એકાઉન્ટ પ્રોવાઈડર’ તરીકે કામ કરતો હતો અને તે સીધો અબ્દુલના સંપર્કમાં હતો. આરોપીઓ નાણાંની હેરફેર માટે બેંક ટ્રાન્સફરના બદલે ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેમાં કમિશન વધુ મળતું હતું અને ટ્રેકિંગ કરવું મુશ્કેલ હતું.

આ પાંચ આરોપીઓની ધરપકડથી ગુજરાતમાં નોંધાયેલા ૨૬૪ સાયબર ક્રાઈમનો ભેદ ઉકેલાયો છે. પોલીસ ડેટા મુજબ, આ ગેંગ સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ ૧૫૩૪ ફરિયાદો નોંધાયેલી છે.

આટલા વિશાળ સ્તરે ફેલાયેલા નેટવર્કને તોડી પાડવા માટે સાયબર પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. ગીર સોમનાથ પોલીસ અને સાયબર વિભાગ હાલ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય સાથીદારોની શોધખોળ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અન્ય દેશોમાં પણ નાણાં ડાયવર્ટ કર્યા હોઈ શકે છે. આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસના તાર જોડાઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.