જૈવિક માતા પાસે પુત્રની કસ્ટડી ગેરકાયદેસર અને જોખમી કહી શકાય નહીંઃ હાઇકોર્ટ
બાળકની કસ્ટડી માટેની પિતાની હેબિયસ કોર્પસ અરજી રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો
(એજન્સી)અમદાવાદ, પતિ-પત્નીના વૈવાહિક જીવનને લગતાં વિવાદોમાં બાળકની પરિસ્થિતિ સૌથી દયનીય હોય છે. આવા કિસ્સામાં કસ્ટડીના કેસો સૌથી વધુ દુઃખ આપનારા બની જતા હોય છે.
બાળકની કસ્ટડીના એક કાનૂની જંગમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા પિતાની બાળકની કસ્ટડી માટેની અરજી ફગાવી કાઢતા એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે જૈવિક માતા જોડે બાળકની કસ્ટડીને ગેરકાયદેસર કે જોખમી કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે બાળકની કસ્ટડી માટેના કાયદા હેઠળની અરજીના બદલે પિતા તરફ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી અને તેને હાઇકોર્ટે ગુણદોષ વિનાની ઠરાવી રદ કરી હતી.
જોકે પિતાને એવી છૂટ પણ આપી હતી કે ઉપયુક્ત કાયદા મુજબ તેઓ બાળકની કસ્ટડી મેળવવા કાર્યવાહી કરી શકે છે. ભાવનગરના એક અરજદાર પિતાએ આ અરજી દાખલ કરીને તેના સગીર પુત્રની કસ્ટડી મેળવવા અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે પ્રતિવાદીઓને આદેશ કરવાની માંગ કરી હતી. આ કેસમાં કેટલાક તથ્યો નિર્વિવાદ છે.
જે મજુબ ૮.૧૨.૨૦૧૫ના રોજ બાળકની માતા સાથે અરજદારે લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવનથી ૨૫.૮.૨૦૧૯ના રોજ પુત્ર જન્મ્યો હતો અને તે હાલમાં લગભગ ૬ વર્ષનો છે. એ પણ નિર્વિવાદ છે કે પિતા અને માતા ૨૦૨૨માં અલગ થઈ ગયા હતા. હકીકતમાં અરજદારનો આરોપ છે કે તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી.
અરજીમાં જણાવ્યા મુજબ માતા અને પિતા વચ્ચે વૈવાહિક વિખવાદ છે અને તેમની વચ્ચે ભરણપોષણ સંબંધિત અનેક કાર્યવાહી ચાલી રહી છે અને દહેજ પ્રતિબંધ કાયદાની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ પણ ચાલી રહ્યા છે. આ કેસમાં પ્રતિવાદી માતાએ જવાબમાં સોગંદનામું દાખલ કર્યું છે અને તેણે એ પણ સ્વીકાર્યું છે કે તે અને તેનો પુત્ર ૨૦૨૨થી પિતાથી અલગ રહી રહ્યા છે. પિતાએ જ તેને અને તેના પુત્રને છોડી દીધા હતા,
અને તેણે પુત્રના હિત વિશે પૂછપરછ કરવાની ક્યારેય પણ તસ્દી લીધી ન હતી. જોકે જ્યારે તેઓ અલગ થયા ત્યારે તેનો પુત્ર ફક્ત બે વર્ષનો હતો.એવો પણ આરોપ છે કે પિતાએ પુત્રના ભરણપોષણની ચિંતા કરી નથી અને તેણે ભરણપોષણ તરીકે કોઈ રકમ ચૂકવી નથી. માતા દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે હેબિયસ કોર્પસની માંગણી કરતી હાલની અરજી ફક્ત તેને હેરાન કરવા માટેની છે.
હાઇકોર્ટમાં એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ બાળકના માતા-પિતાને કલમ ૨૨૬ હેઠળ હાઇકોર્ટના અસાધારણ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાનો અને હેબિયસ કોર્પસ રિટ માંગવાનો કાનૂની અધિકાર નથી અને તે ફક્ત હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં છે કે તેઓ તેમના વિવેકબુદ્ધિથી હેબિયસ કોર્પસ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે અને તે દરેક કેસના તથ્યો પર આધારિત રહેશે.
બીજી તરફ પિતા વતી હાજર એડવોકેટની દલીલ હતી કે કોર્ટ બાળકના કલ્યાણને ધ્યાનમાં લેવા માટે બંધાયેલી છે અને હેબિયસ કોર્પસ રિટ જારી કરી શકાય છે. માતા એક પુરુષ સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં છે અને આ સંબંધ સગીર પુત્ર પર હાનિકારક અસર કરશે.બંને પક્ષોની દલીલોના અંતે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, છ વર્ષના બાળકની તેની જૈવિક માતા જોડેની કસ્ટડી હંમેશા કાયદેસર કસ્ટડી ગણાય.
જોકે એવું પણ નથી કે માતાએ તેના પુત્રની કસ્ટડી ગેરકાયદેસર રીતે અથવા કોર્ટના કોઈપણ આદેશનું ઉલ્લંઘન કરીને મેળવી હતી. પિતાએ પોતાની અરજીમાં ફક્ત એવો દાવો કર્યાે છે કે ૨૦૨૨માં તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે. તેથી તે સ્પષ્ટ છે કે પુત્રની જૈવિક માતાની કસ્ટડી કોઈપણ રીતે ગેરકાયદેસર કહી શકાય નહીં.
