ભાવનગરના અલંગના સ્ક્રેપ વેપારીએ મસ્જિદમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Files Photo
આર્થિક તંગીથી કંટાળી અંતિમ પગલું ભર્યું
વેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં નાણાં ન ચૂકવનાર લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પુત્રએ ઉમેર્યું હતું
ભાવનગર,ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા ૫૦ વર્ષીય વેપારીએ જમનાકુંડ સ્થિત કેજીએન મસ્જિદમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ધંધામાં લાંબા સમયથી ઉધાર આપેલા માલના નાણાં પરત ન મળતા આર્થિક સંકડામણને કારણે વેપારીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા ગંગાજળિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મૃતકના પુત્ર જુનેદભાઈના જણાવ્યા અનુસાર, તેમના પિતા મુસ્તુભાઈ આહમદભાઈ જાકા છેલ્લા ત્રણ વર્ષથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. અનેક લોકોને માલ ઉધાર આપ્યો હોવા છતાં તેઓ નાણાં ચૂકવતા ન હતા અને ફોન પર યોગ્ય જવાબ પણ આપતા ન હતા. લેણી રકમનો આંકડો ઘણો મોટો હોવાથી અને ઉઘરાણી ન આવતા વેપારી સતત માનસિક દબાણ હેઠળ હતા.
વેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં નાણાં ન ચૂકવનાર લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પુત્રએ ઉમેર્યું હતું. બનાવ અંગેની જાણકારી મળતા જ સ્થાનિક આગેવાનો અને અન્ય વેપારીઓ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડીને પંચનામાની વિધિ પૂર્ણ કરી હતી. પુત્રએ આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ પોલીસ પાસે કરી છે.
પોલીસના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક વેપારીની સુસાઈડ નોટ કબજે કરવામાં આવી છે અને તેમાં દર્શાવવામાં આવેલી વિગતોની ચકાસણી કર્યા બાદ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.ss1
