રજા પગાર ન મળતા વર્ગ ૪ કર્મીઓએ ગાંધીનગર સિવિલનું સંચાલન ખોરવ્યું
પ્રતિકાત્મક
અમારા હક્કની રકમ પરત કરો, રજા પગાર આપો : કર્મચારી
આ ઘટનાએ હોસ્પિટલના વહીવટી સહિતના સ્ટાફ અને દર્દીઓને ચકરાવે ચઢાવી દીધા હતાં. તેની સીધી અસર દર્દીઓને થઈ હતી
ગાંધીનગર,ગાધીનગર સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સીગ એજન્સી દ્વારા વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓની ભરતી કરીને સિવિલનું સંચાલન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ રજાના પગારની રકમ નહીં મળતા વર્ગ ૪ના કર્મચારીઓએ સિવિલનું સંચાલન ખોરવી નાખ્યુ હોવાથી સ્ટાફ સહિત દર્દીઓ ભારે પરેશાનીમાં મુકાઇ ગયા હતાં.સિવિલમાં આજે સવારથી વર્ગ-૪ના આઉટસોર્સિસ કર્મચારીઓ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અને દવા વિતરણ બારી નજીક એકઠા થયા હતા અને નારાબાજી કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
‘રજા પગાર આપો, અમારા હક્કની રકમ પરત કરો’ જેવા નારા લગાવીને તેમણે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે સમગ્ર સિવિલનું સંચાલન ખોરવાઇ ગયુ હતું. વર્ગ-૪ના કર્મચારીઓને છેલ્લા ઘણા મહિનાઓથી પોતાની રજામાં પગારની રકમ ચૂકવવામાં આવી નથી. આ અંગે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં એજન્સી દ્વારા તેને અવગણવામાં આવતી હતી. જેથી છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તતી હતી અંતે આજે તેમણે દેખાવો દ્વારા રોષ વ્યક્ત કર્યાે હતો અને રીતસરના રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં.
આ વિરોધનું પરિણામ એ આવ્યું કે મોટી સંખ્યામાં વર્ગ-૪ના કર્મચારીઓએ અચાનક કામગીરી છોડી દીધી અને પોતાની માંગણીઓ બુલંદ કરી હતી.આ ઘટનાએ હોસ્પિટલના વહીવટી સહિતના સ્ટાફ અને દર્દીઓને ચકરાવે ચઢાવી દીધા હતાં. તેની સીધી અસર દર્દીઓને થઈ હતી. જાણ થતાની સાથે એજન્સીના સંચાલકો ઘટનાસ્થળે પહોંચ્યા અને કર્મચારીઓની માંગણીઓ સાંભળી તેમણે કર્મચારીઓને ખાતરી આપી કે તેમની લેખિત રજૂઆત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે. વધુમાં, દર મહિને રજા પગારની રકમ નિયમિત રીતે ચૂકવવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી.
તે પછી કર્મચારીઓએ થોડી રાહત અનુભવી અને દેખાવો સમાપ્ત કર્યા હતા.કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તેમની માંગણીઓનું સત્વરે નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં હડતાલ પર ઉતરવાની અમને ફરજ પડશે. આવી ચીમકીથી હોસ્પિટલ વહીવટ તંત્રમાં ચિંતા પ્રસરી ગઇ છે. હાલમાં કોઇ નિરાકરણ આવ્યુ નથી, પરંતુ કર્મચારીઓની માંગણીઓ પૂર્ણ ન થાય તો હોસ્પિટલની સેવાઓ પર વધુ અસર પડી શકે છે.ss1
