Western Times News

Gujarati News

નરોડા કારખાનામાં આગઃ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ

અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતા અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ત્રણ કલાક પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે, થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઊઠ્‌યું હતુ અને આસપાસના રહેવાસીઓમાં પણ ભય ફેલાયો હતો.

આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવની વિગતએવી છે કે, શહેરના નરોડા વિસ્તારામાં મુક્તિધામ પાસે અમરનાથ એસ્ટેટ આવેલું છે, જેમાં અગરબત્તીની કારખાનામાં ગત રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નિકળી હતી. તેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની નવ જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયરના જવાનો ત્યાં પહોંચ્યા ત્યારે આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. અગરબત્તીનું કારખાનું હોવાના કારણે ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. આગ દૂરથી જોઈ શકાય એટલી વિકરાળ હોવાને લઈ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી.

અંદાજિત બેથી ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. વહેલી સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સાંજે અગરબત્તીની ફેક્ટરી બંધ થઈ જાય છે, જેથી કારીગરો ફેક્ટરીમાં હાજર નહોતા. રાત્રે આગ લાગી હતી, જેની સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક ફેક્ટરી માલિકને પણ ફોનથી જાણ કરવામાં આવી હતી, ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.