વૃદ્ધ માતા-પિતાની દેખભાળ માટે ૪૫ દિવસની રજાની સંસદમાં માંગ ઉઠી
સુમિત્રા વાલ્મીકીએ સરકારને અપીલ કરી
ભારતમાં વર્ષ ૨૦૨૬માં સૌથી વધુ યુવાનો હોવા છતાં સિનીયર સિટીઝનોની સંખ્યા ૧૪. ૯ કરોડથી વધારે છે
નવી દિલ્હી, દેશમાં વૃદ્ધ માતા-પિતાની આરોગ્યલક્ષી સમસ્યાઓને પગલે રાજ્યસભામાં તેમની દેખભાળ માટે નોકરીમાંથી ૪૫ દિવસની રજાની માંગ કરવામાં આવી છે. ભાજપના સાંસદ સુમિત્રા વાલ્મીકીએ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રના કર્મચારીઓ માટે ૬૦ વર્ષથી વધુ ઉંમર ઘરાવતા વૃદ્ધ માતા-પિતા માટે આ માંગ કરી છે. રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન આ માંગ કરવામાં આવી હતી.
આ અંગે સાંસદ સુમિત્રા વાલ્મીકીએ વૃદ્ધ માતા પિતાની દેખભાળ અને વ્યવસાયિક જવાબદારી વચ્ચે ફસાયેલા લોકોનો ઉલ્લેખ કર્યાે હતો. તેમણે કહ્યું કે ભારતમાં વર્ષ ૨૦૨૬માં સૌથી વધુ યુવાનો હોવા છતાં સિનીયર સિટીઝનોની સંખ્યા ૧૪. ૯ કરોડથી વધારે છે. તેમણે કહ્યું છે વર્ષ ૨૦૩૬ સુધી આ સંખ્યા ૨૩ કરોડની પાર જશે. તેમજ ભારતમાં ઝડપથી દર ત્રીજો વ્યક્તિ વૃદ્ધ હશે.સાંસદે વધુમાં જણાવ્યું કે ઝડપી શહેરીકરણ અને રોજગાર માટે કરોડો યુવાનો ઘરથી દુર થઈ રહ્યા છે.
જેના લીધે તેમના માતા -પિતા એકલા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઘરમાં વૃદ્ધ માતા-પિતાની આરોગ્યલક્ષી સમસ્યાઓ માટે કોઈ જરૂર હોય છે. આ સમયે તેમના પુત્ર અને પુત્રીની હાજરી પણ જરૂરી હોય છે. પરંતુ આ લોકોને ઓફીસમાંથી રજા લેવા માટે તકલીફોનો સામનો કરવો પડે છે. તેમજ મહદઅંશે રજા નથી મળતી.જેના પગલે સાંસદ સુમિત્રા વાલ્મીકીએ સરકારને અપીલ કરી કે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ઘરાવતા વૃદ્ધ માતા-પિતાની દેખભાળ માટે ૪૫ દિવસની રજા આપવામાં આવે. તેમણે કહ્યું કે જે રીતે બાળકો માટે માતા પિતા ૨૦ વર્ષ આપે છે તેવી જ રીતે બીમાર માતા પિતાની દેખભાળ માટે તેમને રજા મળવી જોઈએ.ss1
