Western Times News

Gujarati News

સરહદી વિસ્તારોમાં આઈડી વગર રેલવે મુસાફરી અશક્ય બનશે

આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં ઓળખપત્રની ચકાસણી ફરજિયાત બનાવાઇ

નિર્ણયનો સીધો પ્રભાવ એવા મુસાફરો પર પડશે, જે માન્ય ઓળખ વિના આરક્ષિત ટિકિટ પર મુસાફરી કરવાનો પ્રયાસ કરે છે

નવી દિલ્હી, દેશની સરહદો પર સુરક્ષા વધુ મજબૂત બનાવવાના દિશામાં ભારતીય રેલવેએ અગત્યનું પગલું લીધું છે. હવે બાંગ્લાદેશ અને નેપાળ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં દોડતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી કરવી પહેલાં જેટલી સરળ નહીં રહે. રેલવે મંત્રાલયે આ વિસ્તારોમાં ઓળખપત્ર (ID) ચકાસણી ફરજિયાત કરી છે. આ નિર્ણયનો સીધો પ્રભાવ એવા મુસાફરો પર પડશે, જે માન્ય ઓળખ વિના આરક્ષિત ટિકિટ પર મુસાફરી કરવાનો પ્રયાસ કરે છે.રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને એક પત્ર મોકલીને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

તેના અનુસાર, રિઝર્વ ક્લાસમાં મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા એક મુસાફરે મૂળ (ઓરિજિનલ) ઓળખપત્ર રજૂ કરવું ફરજિયાત રહેશે. જો આવું નહીં કરવામાં આવે, તો સમગ્ર જૂથને ટિકિટ વિના મુસાફરી કરનાર ગણવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રેલવે બોર્ડે પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે આ સૂચનાઓનું કડક પાલન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં કરવામાં આવે. તેમાં ભારત-નેપાળ અને ભારત-બાંગ્લાદેશ સરહદ સાથે જોડાયેલા રેલવે રૂટ્‌સનો સમાવેશ થાય છે.

રેલવેનું માનવું છે કે આ પગલાથી ગેરકાયદે મુસાફરી, નકલી ટિકિટ અને સુરક્ષા સંબંધિત આશંકાઓ પર અંકુશ આવશે. રેલવેએ એવો પણ આદેશ આપ્યો છે કે જે મુસાફરો કન્સેશન (છૂટ)નો લાભ લઈ રહ્યા છે અથવા વિશેષ ક્વોટા (જેમ કે સિનિયર સિટિઝન, વિદ્યાર્થી વગેરે) હેઠળ ટિકિટ બુક કરે છે, તેમણે પણ પોતાની પાત્રતા સાબિત કરતા માન્ય દસ્તાવેજ રજૂ કરવા પડશે.ઓળખ અથવા પાત્રતા સાબિત ન કરી શકવાના સંજોગોમાં કાર્યવાહી થઈ શકે છે.

રેલવેએ મુસાફરો માટે માન્ય ઓળખપત્રોની યાદી પહેલેથી જ નક્કી કરી છે. આરક્ષિત ટિકિટ પર મુસાફરી કરતી વખતે મુસાફરો મતદાર ફોટો ઓળખપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા જારી ફોટો ૈંડ્ઢ, માન્ય શાળા/કોલેજનો વિદ્યાર્થી ઓળખપત્ર, રાષ્ટ્રીયકૃત બેંકની ફોટાવાળી પાસબુક, આધાર કાર્ડ પૈકીનું કોઇપણ એક ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.