પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર માટે ગુજરાતમાં પ્રથમવાર CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ: એક સાથે ત્રણ ડોગના અંતિમ સંસ્કારની ક્ષમતા ધરાવતું આધુનિક ક્રિમેટર અમદાવાદમાં
અમદાવાદ. (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે.
ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબીસી રૂલ્સ–2023 તથા NAPRE–2030 મુજબ રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજીસ્ટ્રેશન, બીમાર કૂતરાઓની તબીબી સારવાર, ડેડીકેટ ફીડીંગ સ્પોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મુકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની ઉત્તમ સુવિધા AMC દ્વારા શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં સીએનસીડી એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએઝ પંપીંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ. 30 લાખના ખર્ચે સી.એન.જી. ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ ઉપરાંત, શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન ક્રિમેટર મશીન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.
આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°C થી 900°C તાપમાને દહન પ્રક્રિયા થાય છે.
બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ. 700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે.
હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનના પરિવારજનો માટે 6 સિટિંગ બાકડાની વ્યવસ્થા છે, તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.
આ ક્રિમેટેરિયમનાં ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગનાં મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે, તેમજ પેટ ડોગનાં રજીસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સનાં સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે.
માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય તો તેવા માલિકો માટે ઓનલાઇન માધ્યમથી રજીસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનો માટે ફોટો અથવા વિડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
