અમેરિકા ભારતને 25% પેનલ્ટી ટેરિફ પરત કરશે
AI Image
ઉદ્યોગપતિઓને લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાની રાહત
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલમાં ભારતને એક મોટી રાહત મળી છે. અમેરિકન પ્રશાસને ન માત્ર ટેરિફ દરને ૫૦%થી ઘટાડીને ૧૮% કર્યો, પરંતુ રશિયા પાસેથી ખનીજ તેલની આયાત કરવાના કારણે પેનલ્ટી તરીકે લાદવામાં આવેલા ૨૫% ટેરિફને પણ પરત કરવાનો નિર્ણય લીધો છે.
વ્હાઇટ હાઉસ તરફથી જારી સત્તાવાર માહિતી મુજબ, ૨૭ ઓગસ્ટ ૨૦૨૫થી ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચે અમેરિકા દ્વારા કરાયેલી જે આયાત પર આ પેનલ્ટી લાગી હતી, તેનું રિફંડ આપવામાં આવશે. આ રિફંડ અમેરિકાના ‘’કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન’’ કાયદા હેઠળ જારી કરાશે.
ભારતીય નિકાસકારોને કેટલું રિફંડ મળશે તે હજુ નક્કી નથી. કારણ કે રિફંડની રકમ અમેરિકન આયાતકારોને આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ ભારતીય નિકાસકારો સાથે વાતચીત કરીને આ રકમની વહેંચણી કરશે.
ટ્રેડ ડીલ અંગેના વચગાળાના કરારના માળખા મુજબ, ભારત રશિયા પાસેથી ફરી ખનીજ તેલની આયાત શરૂ ન કરે તેની દેખરેખ રાખવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ મંત્રીઓની એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. તેમાં વાણિજ્ય મંત્રી, વિદેશ મંત્રી અને નાણામંત્રી સામેલ છે.
જો આ સમિતિને લાગશે કે ભારતે રશિયા પાસેથી ફરી ખનીજ તેલની આયાત શરૂ કરી દીધી છે, તો તે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફરીથી ૨૫% પેનલ્ટી લાદવા અને અન્ય કાર્યવાહી કરવા માટે ભલામણ કરી શકે છે.
ટ્રેડ ડીલને લઈને ભારત સરકારે કહ્યું છે કે આ સમજૂતી ભારતીય અર્થવ્યવસ્થાને નવી ગતિ અને નવી ઊંચાઈઓ આપનારી સાબિત થશે. ભારતીય ખેડૂતોને નુકસાન પહોંચાડે તેવું કોઈ પણ ઉત્પાદન આ ટ્રેડ ડીલમાં સામેલ નથી.
ભારતમાંથી અમેરિકી નિકાસનો ૬૦% હિસ્સો ટેરિફના દાયરામાં છે. આ હિસાબે જોઈએ તો અત્યાર સુધી અમેરિકાએ ભારતમાંથી આયાત પર ૫૦% ટેરિફ લગાવીને લગભગ ૪ અબજ ડોલર (૪૦ હજાર કરોડ રૂપિયા) વધારાના વસૂલ્યા છે. આ જ રકમ રિફંડ થશે, જેમાં ભારતીય વેપારીઓને પણ હિસ્સો મળશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે કઈ વસ્તુઓને અમેરિકાને ટેરિફમાં મુક્તિ આપવામાં આવી નથી. છોલ્યા વગરના અનાજ અને લોટ, બટાકા, ડુંગળી, વટાણા, કઠોળ, કાકડી, મશરૂમ, નારંગી, દ્રાક્ષ, લીંબુ અને મિશ્ર જથ્થાબંધ શાકભાજી ભારતમાં પ્રવેશ કરશે નહીં.
