અમદાવાદના ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિકે 17 લાખનો ચૂનો લગાવ્યો
પ્રતિકાત્મક
સેવાલિયાઃ વાંઘરોલીમાંથી ચાર ગાડી ભાડે લઈ ખેલ કર્યો-નવા નરોડા વિસ્તારમાં ‘મા રેવા ટૂર એન્ડ ટ્રાવેલ્સ’ ચલાવતા અમિતભાઈ યોગેશભાઈ ભાવસાર
નડિયાદ, સેવાલિયા પોલીસ મથકની હદમાં આવતા વાંઘરોલી ગામ માં. ટૂર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયમાં ગાડીઓ ભાડે મૂકવાના બહાને એક શખ્સે ચાર જેટલી લક્ઝરી ફોરવ્હીલ ગાડીઓ મેળવી તેને અલગ-અલગ જગ્યાએ ગીરવે મૂકી દઈ કુલ ૧૭,૦૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે અમદાવાદના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
મળતી માહિતી મુજબ વાંઘરોલી ગામે રહેતા અને જૂની ગાડીઓની લે-વેચ તથા ભાડે આપવાનો વ્યવસાય કરતા શાબીર હુશેન ઇબ્રાહિમમીંયા મલેક ચારેક માસ અગાઉ મેઘરજના રમેશભાઈ ડામોરના સંપર્કમાં આવ્યા હતા. રમેશભાઈએ તેમને જણાવ્યું હતું કે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ‘મા રેવા ટૂર એન્ડ ટ્રાવેલ્સ’ ચલાવતા અમિતભાઈ યોગેશભાઈ ભાવસારને ગાડીઓની જરૂર છે.
અમિતભાઈએ શાબીરહુશેનને વિશ્વાસમાં લઈ ઊંચા માસિક ભાડાની લાલચ આપી હતી, જેના પગલે શાબીરહુશેને પોતાની અને પોતાના સંબંધીઓની મળી કુલ ચાર ગાડીઓ ભાડે આપવાનું નક્કી કર્યું હતું.
નક્કી થયા મુજબ, અમિતભાઈ ભાવસારે તા. ૧૧/૧૧/૨૦૨૫ થી તા. ૨૧/૦૧/૨૦૨૬ દરમિયાન વાંઘરોલી ખાતે આવી અલગ-અલગ સમયે ચાર ગાડીઓ મેળવી હતી. જેમાં સાદાબહુશેન મલેકની મારુતિ સ્વિફ્ટ, મલેક મહંમદ હનિફની હ્યુન્ડાઈ ઓરા, મહંમદ સોયેલની એર્ટિગા અને મહંમદ આદિલ મલેકની મારુતિ સ્વિફ્ટનો સમાવેશ થાય છે. આ તમામ ગાડીઓના કાયદેસરના લીઝ એગ્રીમેન્ટ નોટરી કરાર કરવામાં આવ્યા હતા અને એડવાન્સ ભાડા પેટે નજીવી રકમ ગૂગલ પે દ્વારા ચૂકવવામાં આવી હતી.
છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રમેશભાઈ ડામોરે શાબીરહુશેનને ફોન કરીને જણાવ્યું કે તેમણે અમિતભાઈને આપેલી ગાડીનો અકસ્માત થયો છે અને તપાસ કરતા જાણવા મળ્યું છે કે અમિતભાઈએ તે ગાડી ગીરવે મૂકી દીધી છે. આ સાંભળી શાબીરહુશેને પોતાની ગાડીઓ અંગે તપાસ કરતા માલુમ પડ્યું કે અમિતભાઈ ભાવસારે આ ચારેય ગાડીઓ પણ માલિકોની જાણ બહાર અલગ-અલગ જગ્યાએ ગીરવે મૂકી દીધી છે.
જ્યારે આ બાબતે અમિતભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને ગાડીઓનું ચોક્કસ લોકેશન પણ જણાવ્યું નહોતું આમ, પૂર્વ આયોજિત કાવતરું રચી, લોભ-લાલચ આપી કુલ ૧૭ લાખની કિંમતની ચાર ફોરવ્હીલ ગાડીઓ પડાવી લઈ વિશ્વાસઘાત કરવા બદલ શાબીરહુશેન મલેકે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં અમિતભાઈ યોગેશભાઈ ભાવસાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ ૩૧૮(૪) અને ૬૧ મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર ફતેસિંહ ચૌહાણને વધુ તપાસ સોંપી છે.
