Western Times News

Gujarati News

સચિવાલય સંકુલમાં પોલીસ ગાડીમાં યુવતીનો સીન સપાટા કરતી યુવતી કોણ?

File Photo

SPએ તપાસનો આદેશ કર્યો, ગાડીમાં દેખાતો ડ્રાઈવર કોન્સ્ટેબલ નહીં પણ હોમગાર્ડ-સચિવાલય સંકુલમાં પોલીસ ગાડીમાં યુવતીનો સીન સપાટાનો વીડિયો વાયરલ

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના સચિવાલય સંકુલમાં પોલીસ ગાડીમાં આવેલી યુવતીનો સીન-સપાટા કરતો વાયરલ થયેલા વીડિયોએ ચકચાર જગાવી છે. અજાણી યુવતીનો આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તપાસનો આદેશ કરાયો છે.

ચોંકાવનારા બનાવ અંગે તપાસ દરમિયાન આ ગાડી જૂના સચિવાલયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટની હોવાની જાણકારી મળી હોવાનું કહી ગાંધીનગર એસપીએ જણાવ્યું કે, ગાડીમાં જે ડ્રાઈવર દેખાય છે તે હોમગાર્ડ છે. પોલીસ કોન્સ્ટેબલ આ ઘટનામાં નથી. આ યુવતી કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ વીડિયો વાયરલનું પણ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. હાલ કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી પરંતુ તપાસ બાદ ક્ષતિ જણાશે તો શિસ્તભંગના પગલાં લેવાશે.

ગાંધીનગર સચિવાલયમાં પોલીસની સરકારી ગાડીનો ઉપયોગ રીલ્સ બનાવવા માટે થતાં પોલીસ વિભાગની છબિ ખરડાઈ છે. ખાખી વર્દી અને સરકારી ગાડીની ગરિમાને લજવતો આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.

વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સચિવાલયના સંકુલમાં ઉભેલી પોલીસની બોલેરો જીપમાં એક યુવતી ફિલ્મી અંદાજમાં સીન-સપાટા કરી રહીછે. સામાન્ય રીતે જે સંકુલમાં સામાન્ય નાગરિકોને પ્રવેશ માટે કડક પૂછપરછ અને ગેટપાસની જરૂર પડે છે ત્યાં આ યુવતીએ સરકારી વાહન સાથે આરામથી શુટિંગ કર્યું એ સુરક્ષા એજન્સીઓ સામે મોટો સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.